અમદાવાદમાં ઈન્કમટેક્સ અન્ડરબ્રિજની મરામત માટે એક સાઈડનો રોડ બંધ કરાશે
- અન્ડરબ્રિજનો એક તરફનો રોડ 10 દિવસ બંધ રહેશે
- વાહનચાલકોને ઉસ્માનપુરા અથવા નવરંગપુરા ફાટકથી જવું પડશે
- 10 દિવસ બાદ અન્ડર બ્રિજનો બીજો રોડ પણ બંધ કરાશે
અમદાવાદઃ શહેરના ઈન્કમટેક્સથી સીજી રોડ તરફ જતાં અન્ડરબ્રિજમાં પાણીના નિકાલની જાળી બદલવા સહિત મરામતની કામગીરીને લીધે અન્ડરબ્રિજનો એક બાજુનો રોડ 10 દિવસ માટે બંધ રહેશે. એટલે ઈન્કમટેક્સથી સીજી રોડ તરફ જવા માગતા વાહનચાલકોએ ઉસ્માનપુરા અથવા નવરંગપુરા ફાટક થઈને જવું પડશે. અન્ડરબ્રિજનું એક સાઈડનું કામ પૂર્ણ થાય એટલે 10 દિવસ બાદ અન્ડરબ્રિજનો બીજો ભાગ પણ વાહનો માટે બંધ કરવામાં આવશે.
શહેરના ઈન્કમટેક્સ અંડરબ્રિજમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજની જાળી નીચેની આરસીસીની દીવાલને નુકસાન થયું છે. જેના રિપેરિંગ માટે 2 ફેબ્રુઆરીને રવિવારથી 10 દિવસ માટે અંડરબ્રિજનો એક તરફનો રોડ બંધ કરાશે. ઈન્કમટેક્સ અન્ડરબ્રિજથી રોજ 2 લાખ વાહનચાલકો પસાર થાય છે. ટ્રાફિકમાં ના ફસાવું હોય તો વાહનચાલકોએ સીજી રોડ જવા માટે ઉસ્માનપુરા અંડરબ્રિજ અથવા તો નવરંગપુરા ફાટક થઈને જઈ શકશે. એક સાઈડનું કામ પૂરું થયા પછી બીજી સાઈડનો રોડ બંધ કરવામાં આવશે.
સૂત્રોના કહેવા મુજબ શહેરમાં ઉસ્માનપુરા અંડરબ્રિજથી સ્ટેડિયમ પાંચ રસ્તા ખૂબજ સાંકડો રસ્તો છે. આ સ્થળે ટ્રાફિક જામ થવાની શક્યતા છે. ઉસ્માનપુરા અંડરબ્રિજથી સીજી રોડ જવું હોય તો વાહનચાલકે દોઢથી બે કિલોમીટર જેટલું ફરવું પડશે. જ્યારે નવરંગપુરા ક્રોસિંગ ઈન્કમટેક્સ અંડરબ્રિજમાંથી ના જવું હોય તો નવરંગપુરા ક્રોસિંગ થઈ જઈ શકાશે. સામાન્ય સંજોગોમાં પણ મીઠાખળી તરફથી અને સ્વસ્તિક ચાર રસ્તા તરફથી આવતો ટ્રાફિક તેમજ સામે ટાઈમ્સ ચાર રસ્તા તરફથી આવતા ટ્રાફિકને કારણે કેટલીક વખત જામના દૃશ્યો સર્જાતા હોય છે. નવજીવન પ્રેસ પાસેનો અંડરપાસ સાંકડો છે. વાહનચાલકો એ રોડ ઉપયોગ કરે તો ત્યાં પણ ટ્રાફિકજામ સર્જાશે. કારણ કે, આ રોડ પણ ખૂબ જ સાંકડો છે.