સોશિયલ મીડિયામાં બંદુક સાથે તસવીર વાયરલ કરવી ભારે પડી, બેની ધરપકડ
- ડબલ બેરલ મજલ લોડ બંદુક સાથે ફોટો વાયરલ કર્યો હતો
- ભાવનગર SOGએ બે શખસો સામે કરી કાર્યવાહી
- લાયસન્સધારીએ બીજાને ફોટો પાડવા બંદુક આપી હતી
ભાવનગરઃ સોશિયલ મીડિયાના જમાનામાં કેટલાક યુવાનો વટ પાડવા માટે અવનવા વિડિયો અપલોડ કરતા હોય છે. તાજેતરમાં અમદાવાદ શહેરમાં યુવાનો સ્કોર્પિયોમાં રિલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો કેનાલમાં ખબકતા ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. ત્યારે ભાવનગરમાં એક યુવાને મજલ લોડ બંદુક સાથે સોશિયલ મીડિયામાં વિડિયો અપલોડ કર્યો હતો. ભાવનગર એસઓજી પોલીસને વિડિયો અપલોડ થયાની જાણ થતાં જ ફોટો અપલોડ કરનારા યુવાન અને તેને લાયસન્સવાળી બંદુક આપનારા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ભાવનગર એસઓજી પોલીસે સોશિયલ મીડિયા પર સક્રિય નજર રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની કામગીરી કરી રહી છે. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર ડબલ બેરલ મજલ લોડ બંદૂક સાથે ફોટા પોસ્ટ કરવાના કેસમાં બે વ્યક્તિઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, જિલ્લાના જેસર પોલીસ સ્ટેશન વિસ્તારના 22 વર્ષીય ભૌતિક અશોકભાઈ બારૈયાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પર બંદૂક સાથેના ફોટા અપલોડ કર્યા હતા. એસઓજીએ તપાસ કરતા જાણવા મળ્યું કે આ બંદૂક 75 વર્ષીય શામજીભાઈ રામભાઈ ઉર્ફે રામજીભાઈ ઝાલાની લાયસન્સ ધરાવતી હતી. ભૌતિક બારૈયાએ લાયસન્સ ધારક પાસેથી બંદૂક લઈને ફોટા પડાવ્યા હતા. લાયસન્સધારકે પણ નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાની બંદૂક અન્ય વ્યક્તિને આપી હતી. એસઓજી પોલીસે ભૌતિકની ધરપકડ કરી અને રૂ. 5000ની કિંમતની બંદૂક જપ્ત કરી છે. બંને આરોપીઓ વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.