હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

માણસ પોતાની ભૂલને કારણે જેટલો દુઃખી નથી થતો એના કરતાં થયેલી ભૂલને વારંવાર વાગોળીને વધુ દુઃખી થાય છે

08:00 AM Jul 26, 2025 IST | revoi editor
Advertisement
(પુલક ત્રિવેદી)

(પુલક ત્રિવેદી)

Advertisement

જીવનમાં હાર અને નિરાશાની લાગણીથી વધુ ખરાબ બીજી કોઇ બાબત નથી. આ લાગણીઓ વ્યક્તિના હૃદયમાં કટારી મારવા જેવું કામ કરે છે. સામાન્ય રીતે ભૂલથી એટલી પછડાટ અનુભવાય છે કે, ફરી ઊભા થતાં વર્ષો નહીં તો મહિનાઓ તો જરૂર લાગી જાય છે. મારા જીવનમાં ઘણી વખત આવી ઘટનાનો હું શિકાર બની ચુક્યો છું. દરેક વખતે જ્યારે હું જીવનની ભૂલોમાંથી પસાર થયો, ત્યારે મને એમ થતું કે, હું તેના માટે મારી જાતને કેવી રીતે માફ કરીશ ? આ બધી ભૂલો નિષ્ફળતાઓ નાની ન હતી. દરેક વખતે મૂળમાંથી ખતમ થઇ જતો હોંઉ એવુ લાગ્યા કરતું હતું. કેટલાક કિસ્સાઓમાં, મને લાગ્યું કે, મારી પાસે ભાવનાત્મક, આધ્યાત્મિક, શારીરિક કે માનસિક રીતે આગળ વધવાની હવે કોઇ તાકાત જ બચી નથી. પરંતુ, એક યા બીજી રીતે, મેં મારી જાતને માફ કરી દીધી. મેં ભુલોથી થયેલા વિચારોના તૂટેલા ટુકડાઓ ઉપાડ્યા અને આગળ વધવાનો પ્રયાસ કર્યો. આ સરળ ન હતું. કદાચ આ સમયગાળો મારા જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો. દરેક વખતે હું મારી જાતને વચન આપું છું કે આવુ ફરી ક્યારેય નહીં બને. સમય જતાં, પરિસ્થિતિઓ બદલાતી જાય છે. આની પાછળ ચોક્કસપણે એક મઝાની પ્રક્રિયા આપોઆપ થતી જતી હતી. થયેલી ભૂલો ઉપર આજે નજર કરતાં, કેટલુક ગંભીર અને મહત્ત્વપૂર્ણ મંથનનું માખણ તારવી શકાયું છે.

મને લાગે છે કે, પહેલો થંબરૂલ એ છે કે, ભૂલને હંમેશા છાતી સાથે બાંધી રાખવા જેવી નથી. બધા ભૂલો કરતા હોય છે. પરંતુ એ પણ એટલું જ સાચુ છે કે, જ્યારે ભુલ થાય ત્યારે એ હરગીઝ યાદ રહેતુ નથી કે આ ભુલને મારે પકડી રાખવાની નથી. ભુલના પ્રકારોમાં નોકરી, પદ, પ્રતિષ્ઠા,  કુટુંબના પ્રશ્નો, સંબંધો ગમે તે હોઇ શકે છે. ભૂલ ઉપર ધ્યાન આપવાથી સ્વાભાવિક રીતે હતાશ અને અસહાય હોવાની લાગણી જનમતી હોય છે. જે આગળ વધવામાં નિશ્ચિતપણે અવરોધરૂપ બને છે. મન એક અગધ શક્તિ ધરાવતુ પાવર હાઉસ છે. મનને ભુલોની યાદના જંગલથી દૂર રાખવામાં સાર છે. આનો ઉપાય છે કે, કંઈક રસપ્રદ વાંચવાનુ શોધી કાઢો, પ્રેરક વિડિઓઝ જોવામાં મન પરોવી દો, મન ગમતુ સંગીત સાંભળો, મનપસંદ ફિલ્મ જુઓ અને કાંઇ ન સુજે તો માત્ર ઊંડા શ્વાસ લો. ભુલ પછી જેમ જેમ વધુ સમય પસાર થતો જશે, તેમ-તેમ ખ્યાલ આવશે કે ફરીથી ખુશ થવામાં જ મજા છે. ભુલની માયાજાળમાંથી તમે તમારી જાતને બને એટલી જલ્દી મુક્ત કરી દો.

Advertisement

ભૂતકાળની ભૂલો માટે તમારી જાતને માફ કરવાની એક ઉત્તમ રીત એ છે કે, તમે જીવનમાં શું અગત્યનું છે તેનું ફરી એક્વાર મૂલ્યાંકન કરો. ભુતકાળમાં મળેલી નિષ્ફળતા અને ભૂલો તમને નવા આકલનમાં અવશ્ય ઉપયોગી થશે. ભૂતકાળની ભૂલોનો આવનારા સારા સમયનો પદાર્થપાઠ તરીકે ઉપયોગ કરવાનો રહે છે. થઇ ગયેલી ભૂલોના પરિણામે જીવનમાં કઈ વસ્તુઓને વધુ મહત્ત્વ આપો છો ? તમારે તમારા વિચારોને યોગ્ય ક્રમમાં ગોઠવવા પડશે. આજે તમારા માટે સૌથી મહત્વપૂર્ણ શું છે તે નક્કી કરવામાં અને આગળ વધવામાં તમારી સહાય કરવા માટે ભૂતકાળની ભૂલોની પીડાનો સકારાત્મકતાથી ઉપયોગ થવો જોઇએ. મોટે ભાગે, આપણે માત્ર પ્રતિક્રિયાત્મક સ્થિતિમાં જીવીએ છીએ. જે વસ્તુઓને આપણે સૌથી વધુ મહત્ત્વ આપીએ છીએ તેનું સાચુ મૂલ્યાંકન કરતા નથી. એટલે જરૂર છે સભાનપણે મહત્ત્વની બાબતોને ક્ર્મબધ્ધતાપૂર્વક ગોઠવવાની શરૂઆત કરવાની. આપેલા અગ્રતાક્રમનું કારણ તપાસવાની પણ આવશ્યકતા છે. જે બાબતથી વિકાસ થયો હોય અને મનમાં શાતા વળી હોય તેના ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે.

જ્યારે આપણે બદલાઇ શકતા નથી, ત્યારે આપણે તટસ્થ રહીએ છીએ. ભૂલ તરફ દોરી જતા વર્તનની સભાનપણે જાણકારી હોવી જોઇએ. ભૂલ કર્યા પછી ખરાબ લાગે તે બિલકુલ સામાન્ય બાબત છે. પરંતુ યાદ રહે કે તમે હજી પણ સારી પરિસ્થિતિ માટે લાયક છો. શક્ય હોય ત્યાં સુધી પોતાના માટે નકારાત્મક વિચારો અને લાગણીઓને મનમાં પ્રવેશ આપી એને તમારા મનમાં રખડવાનો છુટો દોર ના આપશો. તમે શક્ય તેટલું શ્રેષ્ઠ કરી જ રહ્યા છો. મોટાભાગના કિસ્સાઓમાં, ભૂલો મલિન આશયથી કરવામાં આવતી નથી. માત્ર તમારી જાતને દોષિત માનવાને બદલે તમે કેવી રીતે શીખી શકો છો અને વિકાસ કરી શકો છો તેમાં માનસિક ઊર્જાનો ઉપયોગ થવો જોઇએ. શું તમે જ્યાં જરૂરી હતું ત્યાં જવાબદારી સ્વીકારી ? શું તમે પરિસ્થિતિમાંથી શીખ્યા ? શું તમે ભવિષ્યમાં વધુ સારું કરવાનો પ્રયાસ કરશો ? તમારે તમારી જાતને માફ કરવી પડશે અને આગળ વધવું પડશે. વ્યક્તિ જ્યારે ભુલોના વિચારોને મગજમાંથી જવા દે છે ત્યારે એ સ્પષ્ટ થઇ જાય છે કે આગળ વધવા માટે હવે તે લાયક છે.

મેં ખોટો નિર્ણય લીધો, અથવા મારી આ ભુલ થઈ ગઈ છે એવા સ્વીકારમાં સૌથી વધારે સામર્થ્ય છે. ખોટા નિર્ણયો અને ભૂલો એ તો જીવનનો સૌથી મહત્વનો તબક્કો છે. શું તમે કોઈ ભૂલ જ ન કરો ? શું તમારા દરેક કાર્યો સો ટકા પરિણામલક્ષી જ હોય ? જો તમે આમ માનતા હોવ તો તમારું જીવન કોઈ ખોટા માર્ગે પૂરપાટ ગતિએ હંકારાઈ રહ્યું છે એમ માનવાના પૂરતા કારણો છે. ભૂલો અને ખોટા નિર્ણયોનો સ્વીકાર અને આગળ વધવાનો પડકાર એ જ તો જીવનનું સાચું સ્મિત છે. ખોટા પડવાનો ભય અને ભૂલ થવાની ભીતીના કારણે કોઈ જોખમ જ ન લેવાય અને પાછા વળી જવાય તો અનાથી મોટી દુર્બળતા અને નિર્માલ્યતા બીજી કઈ હોઈ શકે ? જિંદગીને ‘હા’ કહેવાની તાકાત બરકરાર તો જ રહે જો ભૂલોનો ભય ન રહે. મલ્ટી સ્પેશ્યાલિસ્ટ કોર્પોરેટ હૉસ્પિટલના સી.ઈ.ઓ. મિત્રએ એકવાર કહ્યું કે, ‘ મારે ડોકટર બનવું હતું પણ એચ.એસ.સી.ના વર્ષે મેં ફિલ્મો અને વર્લ્ડ કપ જોવામાં સમય બગાડ્યો એ મારી મોટી ભૂલ હતી. મને ૭૮ ટકા જ આવ્યા. પિતાજી ડોનેશન આપી મને મેડિકલમાં મોકલી શકે એવી આર્થિક સ્થિતિ પણ ન હતી. આ ભુલના પરિણામે હું ડૉકટર તો ન બની શક્યો પણ તબીબી ક્ષેત્રે સેવા આપવાની અદમ્ય ઇચ્છાને ફળીભૂત કરવા મેનેજમેન્ટનો અભ્યાસ કરાવતી પ્રતિષ્ઠિત આઈ.આઈ.એમ.માંથી એમ.બી.એ. કરીને વરિષ્ઠ ડૉકટરો સાથે બેસીને તબીબી સેવાઓમાં વહીવટકર્તા તરીકેની કારકિર્દી બનાવી. આ મિત્રએ એક નિષ્ફળતમાંથી માર્ગ શોધી બીજા ક્ષેત્રમાં આગળ વધવાનો નિર્ણય કર્યો અને એમાં એ સફળ પણ બન્યો.

એક ભુલ-ખોટો નિર્ણય એક દ્વાર બંધ કરે એની સાથે બીજા અનેક દ્વાર ખોલે છે. જીવનમાં આગળ વધવાની તમન્નાના પાયામાં ભૂલોના ભંડારો હોય છે. હંમેશા પોતાની ભૂલોથી ‘અપડેટ’ થતા રહેવું પડે. ભૂલની ભયંકરતા અને વિકરાળતા સામે મોં વકાસીને પાછા વળવાનું મન થાય ને, તો એ આફતને સીધે સીધું આમંત્રણ છે. જીવન તો ભુલોની ભરમાર છે. જો કોઈ એમ કહેતો હોય કે, એણે જીવનમાં ભૂલો જ કરી નથી તો એ માણસ સદંતર ખોટો છે અથવા જો એ ખરેખર સાચો હોય તો એણે જીવનમાં કશું નવું કરવાનો અખતરો જ નથી કર્યો. મારા એક મિત્રએ એના ટેબલ ઉપર સરસ મજાનું સુત્ર લેમિનેટ કરાવી નેઈમપ્લેટની જેમ મૂક્યું છે. ‘‘સોરી, બટ આઈ એમ નોટ પરફેક્ટ...’’ મતબલ, માફ કરશો હું સંપૂર્ણ નથી. હું ભૂલો કરું છું. મારાથી ખોટા નિર્ણયો ક્યારેક લેવાઈ જાય છે. હું સંપૂર્ણ છું જ્યાં અપૂર્ણતા છે ત્યાં પૂર્ણતા પ્રતિ ગતિ હોય છે. જ્યાં પૂર્ણતા છે ત્યાં ગતિ નથી, સ્થગિત છે. પૂર્ણતા સુધી પહોંચવા અપૂર્ણ હોવાનો અહેસાસ અગત્યનો છે. અને એ અહેસાસનો હૃદયપૂર્વકનો સ્વીકાર પૂર્ણતા તરફની દોડની શરૂઆત છે. ભૂલો થાય. ખોટા નિર્ણયો લેવાય. ક્યારેક પછડાટ ખાવી પડે. પણ સજ્જતા રાખવી જોઈએ. હાં, એક વાર થયેલી ભૂલ ફરી ફરી તો ન જ થાય. અને જો એમ થાય તો નિઃસંદેહપણે જાગૃતિનો અભાવ છે. જીવનમાં હંમેશા બધુ સમુસુથરું અને સર્વગુણ સંપન્ન રીતે ન જ થાય. ક્યાંક કોઈ ભૂલ, પછડાટ કે ખોટો માર્ગ પણ થઈ જાય. પણ આવશ્યકતા છે, આ ભૂલની સમયસર સમજ પડે અને નવા માર્ગે ચાલવાની નહીં, દોડવાની સમજ પડે. ભૂલોને આમંત્રણ ન અપાય પણ ભૂલને કારણે આવી પડેલી મુશ્કેલીને મહેફિલમાં પલટી નાખીએ એ જ તો જીવનની ખરેખરી મોજ છે.

જીવનમાં કશુ સ્થાયી કે સ્થિર હોતું નથી. જિંદગી એટલે જ વિજય અને પરાજય, ચડતી અને પડતી, અંધકાર અને ઊજાશ. ખોટો નિર્ણય લેવાય તો ય ભલે એમાંથી પદાર્થપાઠ લઈ વધુ વેગથી બીજા નવા રસ્તે દોડશું એવો વિશ્વાસ જોઈએ. ઊંચા ઝાડની સૌથી ઊંચી ડાળી ઉપર બેઠેલા પક્ષીને જોરથી વહેતા પવનને કારણે ઝોલા ખાતી ડાળી ઉપરથી પડી જવાનો ભય નથી. પંખીને પવન અને ડાળીના હલવાના ખોફ કરતાં તેની પાંખોની તાકાત ઉપર વધુ ભરોસો હોય છે. ભૂલોથી ભાંગી પડવાના ભય કરતાં ભૂલોમાંથી શીખ મેળવી બમણી તાકાતથી આગળ વધવાની સ્વયંની શક્તિ ઉપર વધુ વિશ્વાસ હોવો જોઈએ. માણસ પોતાની ભૂલને કારણે જેટલો દુઃખી નથી થતો એના કરતાં થયેલી ભૂલને વારંવાર વાગોળીને વધુ દુઃખી થાય છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article