ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક
- જુનાગઢ મહાપાલિકા સહિત 68 નગરપાલિકાના પ્રમુખો હોદ્દેદારોના નામ ફાયનલ કરાયા,
- આવતી કાલે સ્થાનિક સ્તરે નામો જાહેર કરવામાં આવશે
- નિરીક્ષકોના રિપોર્ટના આધારે નામોની ચર્ચા કરવામાં આવી
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જુનાગઢ મ્યુનિ.કોર્પોરેશનના મેયર સહિત પદાધિકારીઓ તેમજ 68 નગરપાલિકા પ્રમુખોની નિમણુક અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને નિરીક્ષકોએ આપેલી નામોની યાદીમાં સુધારા-વધારા કરીને નામો મંજુર કરવામાં આવ્યા હતા. આવતી કાલે સ્થાનિકસ્તરે નામોની જાહેરાત કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં 220થી વધુ હોદ્દેદારોના નામ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકની શરૂઆતમાં ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા પાલિકાના હોદ્દેદારો ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત જૂનાગઢ મ્યુનિ.કોર્પોરેશન તેમજ 3 તાલુકા પંચાયત અને બીજેપી શાસિત પાલિકાના હોદ્દેદારો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આગામી ચૂંટણીને લઇને આયોજન અને પ્લાન વિશે ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, જુનાગઢ મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકાઓના પ્રમુખો, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને પક્ષના નેતાઓના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે. નિરીક્ષકોના અહેવાલના આધારે આ નામો પર ચર્ચા કરી સહમતી સાધવામાં આવી હતી. હવે સીલબંધ કવરમાં નામ મોકલવામાં આવશે, જે આવતીકાલે બોર્ડની બેઠકના પ્રારંભે ખુલશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપની અનોખી ગોઠવણી છે, આવતીકાલે મળનારી સામાન્ય સભામાં આ પ્રકારના મહત્વના હોદ્દાઓ માટે પ્રતિનિધિત્વ નક્કી થશે.