હિંમતનગર નજીક આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ
- ફાયર ફાયટરોએ સતત 4 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી
- પ્લાસ્ટિકનો કાચો માલ હોવાના લીધે આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું
- આગના બનાવમાં કોઈ જાનહાની નહીં
હિંમતનગરઃ ગાંભોઈ-ભિલોડા રોડ પર આવેલી હેલીફેક્સ ગ્રીનટેક નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીના કમ્પાઉન્ડમાં રખાયેલા પ્લાસ્ટિકના જથ્થામાં ગત મધરાત બાદ આગ ફાટી નિકળી હતી. આ આગને લીધે અફડા-તફડી મચી ગઈ હતી. ફેક્ટરીના બહારના ભાગમાં કાચો માલ અને પ્લાસ્ટિક હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના બનાવની જાણ થતાં હિંમતનગર ફાયર વિભાગની બે ટીમ એક મિની અને એક બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ ગાંભોઈ પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
હિમતનગરના ગાંભોઈ-ભિલોડો રોડ પર આવેલી હેલીફેક્સ ગ્રીનટેક નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીના કમ્પાઉન્ડમાં ગતરાતે 2 વાગ્યા આસપાસના સમયે આગ ફાટી વિકળી હતી. અને પ્લાસ્ટિકના દાણા અને કાચો માલ હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ થતાં હિમતનગર ફાયર વિભાગની ટીમ ફાયટરો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગની ટીમોએ આજે મંગળવારે સવાર સુધી ચાર કલાકથી વધુ સમય સુધી કામગીરી કરી હતી. આ દરમિયાન 30 હજાર લીટરથી વધુ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.
ફાયર બ્રિગ્રેડ આગ બુઝાવ્યા બાદ કૂલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, ફરીથી આગ લાગવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે વધુ એક બ્રાઉઝર બોલાવ્યું છે. હાલમાં ફાયર ફાઈટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં આવી રહી છે.