રાજકોટના પડધરી નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ
- પ્લાસ્ટિકની ફેકટરીમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા મેજર કોલ અપાયો,
- ત્રણ જિલ્લામાંથી ફાયર ફાયટરો દોડી ગયા,
- આગ પર સતત પાણીના મારા બાદ 70 ટકા કાબુ મેળવાયો
રાજકોટઃ જિલ્લાના પડધરી નજીક આવેલી એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ગતરાત્રિના સમયે ભીષણ આગ ફાટી નિકળતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતા. દરમિયાન આગએ વિકરાળરૂપ ધારણ કરતા ફાયર બ્રગ્રેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યા હતા. તેથી રાજકોટ સહિત ત્રણ જિલ્લાના ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. રાતભર પાણીનો મારો કરીને સવાર સુધીમાં 70 ટકા આગ પર કાબુ મેળવી લેવાયો હતો. અને બપોરે આગ કાબુમાં આવી ગઈ હતી. ફે્ક્ટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો પડ્યો હોઇ આગે ગણતરીના મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ બનાવની વિગતો એવી છે. કે, રાજકોટ જિલ્લાના પડધરી પાસે આવેલી સહારા યુનાઈટ નામની પ્લાસ્ટિકની એક ફેક્ટરીમાં રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીના મેદાનમાં પ્લાસ્ટિકનો મોટા પ્રમાણમાં જથ્થો પડ્યો હોઇ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગ્યાની જાણ થતાં પડધરી પોલીસ અને રાજકોટથી ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગએ વિકરાળ રૂપ ધારણ કરતા મેજર કોલ અપાતા રાજકોટ ઉપરાંત ગોંડલ, મોરબી અને જામનગરથી ફાયરબ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રિના સમયે પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ સવારે 9 વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નહોતો. ફાયર અધિકારીના કહેવા મુજબ સવાર સુધીમાં આગ પર 70 ટકા કાબૂ મેળવી લેવાયો હતો. બપોર સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે.
ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ પ્લાસ્ટિક ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં તૈયાર પ્લાસ્ટિક અને રો-મટીરિયલ પડ્યું હતું. જે આગમાં બળીને ખાક થયું હતું. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયા બાદ નુકસાનીનો આંક જાણવા મળશે. આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યુ નથી.