અમરેલી સેશન્સ કોર્ટે ગૌવંશની કતલ કરનારા ત્રણ શખસોને આજીવન સજા ફટકારી
- કોર્ટે આરોપીઓને સજા ઉપરાંત રૂપિયા 18 લાખનો દંડ ફટકાર્યો,
- આરોપીઓ રહેણાકના મકાનમાં ગૌવંશની કતલ કરતા હતા,
- ગૌવંશ કતલ કરનારા તત્ત્વો માટે લાલબત્તી સમાન ચુકાદો
અમરેલીઃ ગૌવંશની કતલના કેસમાં અમરેલીની સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે ગાયોની કતલ કરનારા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા અને 18 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદો ગૌવંશ કતલ કરનારા તત્ત્વો માટે લાલબત્તી સમાન છે.
આ કેસની વિગતો એવી હતી કે, ગઈ તા. 6 નવેમ્બર 2023ના રોજ અમરેલી પોલીસને બાતમી મળી હતી કે શહેરના બહારપરા વિસ્તારમાં આવેલા મોટા ખાટકીવાડ, કોળીવાડના નાકે રહેતો અક્રમ સોલંકી તેના રહેણાંક મકાનમાં ગાયોની કતલ કરે છે. માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા કાસિમ સોલંકીની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી, જ્યારે સત્તાર સોલંકી અને અક્રમ સોલંકી નાસી છૂટ્યા હતા. જો કે, બાદમાં પોલીસે તે બંને આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં આરોપીના મકાનમાંથી પશુના કતલ કરેલા અવશેષો મળી આવ્યા હતા, જેના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમરેલી પોલીસે પુરાવા સાથે ચાર્જશીટ રજુ કરતા અમરેલી સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરકારી વકીલ ચંદ્રેશ મહેતાએ મજબૂત દલીલો અને પુરાવાઓ રજૂ કર્યા હતા. સેશન્સ કોર્ટના જજ રીજવાનાબેન બુખારી દ્વારા આ કડક સજા સંભળાવવામાં આવી. જેમાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 5 હેઠળ ત્રણેય આરોપીઓને આજીવન કારાવાસ અને દરેક આરોપી દીઠ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ 5 માસની સજા ભોગવવી પડશે. આ ઉપરાંત, કલમ 6(ખ) હેઠળ 7 વર્ષની સજા અને દરેક આરોપી દીઠ 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો હતો. આમ અલગ અલગ કલમો હેઠળ ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને કુલ 18 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે ગુજરાતના ઇતિહાસમાં ગૌવંશ કતલના કેસમાં આપવામાં આવેલો પ્રથમ આજીવન કેદનો ચુકાદો છે.