કલોલમાં સોનીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલો શખસ 3.48 લાખની લૂંટ કરીને નાસી ગયો
- એક્ટિવા પર ફરાર થયેલા લૂંટારૂ શખસને પોલીસે પકડી પાડ્યો
- લૂંટ બાદ ભાગેલા શખસનો દુકાન માલિકો પીછો કર્યો હતો
- લૂંટારૂ શખસ કલોલનો રહેવાસી નિકળ્યો
ગાંધીનગરઃ કલોલ શહેરમાં જુના ચોરા વિસ્તારમાં આવેલી મહેશ્વરી જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલો લૂંટારૂ શખસ 3.48 લાખની લૂંટ પલાયન થઈ ગયો હતો. પોલીસે આરોપી જયદીપ રાજુભાઈ નાયકની ધરપકડ કરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, કલોક શહેરમાં સોના-ચાંદીની દુકાનમાં એક લૂંટારૂ શખસ ગ્રાહક બનીને આવ્યો હતો. અને દુકાનમાલિક રાજેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલને સાનાની લકી અને સાનાનો ચેઈન ખરીદવાનું કહ્યું હતું, દુકાનમાલિકે સાનાની ચેઈન અને લકી બતાવી હતી. આરોપીએ અલગ-અલગ સોનાની ચેન ગળામાં પહેરી હતી. તેમાંથી 2.26 લાખની કિંમતની એક સોનાની લકી અને 1,22,500 રૂપિયાની એક સોનાની ચેન મળી કુલ 3,48,500ની મતાની લૂંટ કરી હતી. લૂંટ કર્યા બાદ આરોપી સફેદ કલરના એક્ટિવા પર ફરાર થઈ ગયો હતો. દુકાન માલિક અને તેમની દુકાનમાં નોકરી કરતા કર્મચારીએ લૂંટારૂ શખસનો પીછો કર્યો હતો, પરંતુ આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. લૂંટના બનાવની પોલીસને જાણ કરતા કલોલ શહેર પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીને કલોલ માણસા રોડ પર આવેલા નારદીપુર નગર સોસાયટી, રેલવે પૂર્વ કલોલમાં રહેતા આરોપી જયદીપ રાજુભાઈ નાયકની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.