ગુજરાતમાં ભર ઉનાળે બુધવારથી વાતાવરણમાં આવશે મોટો પલટો, ભારે વરસાદની શક્યતા
- અરબી સમુદ્રમાં વાવાઝોડુ સર્જાશે
- રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા
- દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે.
અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે ફરીવાર વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગ તેમજ હવામાનના જાણકાર આગાહીકારોએ પણ બુધવારથી વાતાવરમાં પલટો આવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલેના કહેવા મુજબ મે મહિનાના અંતમાં વાતાવરણમાં પલટો આવશે. તેમના મતે, અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ અને વિનાશક પવનો ફૂંકાઈ શકે છે.
ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે રહ્યું હતું. પણ હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ અસહ્ય ઉકળાટનો અનુભવ કર્યો હતો. દરમિયાન હવામાનના જાણકાર એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 21 મે, 2025 થી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શરૂઆત થશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થશે અને અરબી સમુદ્રમાં ચક્રવાત (વાવાઝોડું) બનશે. ખાસ કરીને, મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે, જે વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ ચક્રવાતની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે અને દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. દરિયાઇ કાંઠે પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેવાની શક્યતા છે. આ ચક્રવાત સક્રિય થવાને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. મે મહિનાના અંતમાં, ખાસ કરીને 23 મે થી 31 મે સુધી ગુજરાતભરમાં કમોસમી માવઠાની આગાહી કરી છે, જેના કારણે ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાશે.
રાજ્યના હવામાન વિભાગે પણ વરસાદના ઝાપટાં પડવાની આગાહી કરી છે. આગામી સાત દિવસ છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે, ત્યારે આજે 15 જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, ભુજ અને ડીસામાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. રાજ્યમાં 19 અને 20 મેના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ( file photo)