હિંમતનગર યાર્ડના પ્રવેશ દ્વારે બે વાહનો વચ્ચે દબાતા શ્રમિકનું મોત
- બે વાહનો વચ્ચે દબાતા ધવાયેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત,
- ઘટનાના સીસીટીવી કૂટેજ વાયરલ થયા,
- પોલીસે બન્ને વાહનચાલકો સામે ગુંનો નોંધ્યો
હિમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર યાર્ડમાં બે વાહનચાલકોની બેદરકારીને લીધે શ્રમિકનો ભોગ લેવાયો હતો. બે દિવસ પહેલાં બપોરના સમયે માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશતા બે વાહનો વચ્ચે શ્રમિક ફસાઈ ગયો હતો. જેને લઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે વાહનચાલકો સામે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે. આ વિચિત્ર અકસ્માતના CCTV કૂટેજ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.
આન બનાવની વિગતો એવી હતી કે, હિંમતનગરમાં માર્કેટિંગ યાર્ડમાં મંગળવારે બપોરના સમયે આઈશર અને સ્કોર્પિયો કાર વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરતો અને હિંમતનગરની માય ઓન હાઇસ્કૂલ પાસેના સલાટ વાસમાં રહેતા શ્રમિક રમેશ મૂળાભાઈ મેણા ફસાઈ ગયો હતો. બૂમાબૂમ થતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. ત્યાર બાદ ફસાઈ ગયેલા શ્રમિકને બહાર કાઢયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત શ્રમિકને 108માં સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત શ્રમિક રમેશભાઈનું મોત નીપજ્યું હતું. આ અંગે હિંમતનગર એ-ડિવિઝન પોલીસે બે વાહન ચાલકો સામે અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેને જોતાં કમકમાટી છૂટી જાય તેવાં દૃશ્યો સીસીટીવીમાં જોવા મળ્યાં હતાં. આઈશરને આગળ પાછળ કરાવતો શ્રમિક બે વાહન વચ્ચે ફસાઈ ગયા બાદ જીવિત જોવા મળ્યો હતો. જેને લઈને બૂમાબૂમ થઇને આજુબાજુના લોકો દોડી આવ્યા બાદ ગંભીર ઈજાગ્રસ્ત શ્રમિકને બહાર કાઢી 108માં હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.