અમદાવાદના સનાથલ ક્રોસ રોડ નજીક ભંગારના ગોદામમાં લાગી ભીષણ આગ
- ફાયર બ્રિગેડના 12 ગાડીઓ સાથે જવાનો ઘટના સ્થળે પહોંચ્યા,
- ગોદામમાં પેપર પસ્તી અને ભંગાર હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ,
- બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી
અમદાવાદઃ શહેરના સનાથલ હાઈવેના ચાર રસ્તા નજીક આવેલી ખોડીયાર હોટલની પાછળ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આગના બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ગોદામમાં પેપર પસ્તી સહિતના ભંગાર હોવાના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્ય. હતું, ફાયર બ્રિગેડની ટીમે બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગના કારણે ભંગારમાં રહેલો મોટાભાગનો સામાન બળી ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
શહેરના ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ રાજકોટ હાઇવે પર આવેલા સનાથલ નજીક આદેશ આશ્રમની બાજુમાં ખુલ્લા પ્લોટમાં એક મોટું ભંગારનું ગોદામ આવેલું છે જેમાં પ્લાસ્ટિક, રબર, પેપર, પસ્તી સહિતની ચીજ વસ્તુઓ હતી જે ગોડાઉનમાં આજે વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બોપલ થલતેજ અને પ્રહલાદનગર સહિતના ફાયર સ્ટેશનમાંથી ગાડીઓ રવાના કરવામાં આવી હતી આગ ખૂબ જ ભીષણ હોવાના કારણે એક બાદ એક કુલ 12 ગાડીઓ અને છ જેટલા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનો દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. 2 લાખ લિટરથી વધારે પાણીનો ઉપયોગ કરીને ગોડાઉનમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી પેપર અને રબર જેવા ભંગાર હોવાના કારણે આ વધારે ફેલાઈ ગઈ હતી. મોટું ગોડાઉન હોવાથી જેસીબી મશીનની મદદથી અન્ય સામાન ખસેડી આગને કાબુમાં લીધી હતી. તમામ જગ્યાએ પાણીનો મારો ચલાવી કુલિંગ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગોડાઉનમાં કોઈ હાજર નહોતું જેથી આ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણવા મળ્યું નથી.