થરાદના નાગલા ગામે ઘાસ ભરેલી ટ્રોલીમાં આગ ભભૂકી ઊઠી
- ખેડુતે ટ્રોલીને હાઈડ્રોલિક કરી લેતા ટ્રેકટરનો બચાવ થયો,
- ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી,
- પશુઓ માટેનો ઘાસચારો બળીને ખાક
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામે ખેડૂત ટ્રેકટર ટ્રોલીમાં ઘાસચારો ભરીને લઈ જતાં હતા ત્યારે ટ્રોલીમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. ખેડૂતે ટ્રોલી હાઇડ્રોલિક કરી લેતાં ટ્રેક્ટરનો બચાવ થયો હતો. આગ લાગ્યાની જાણ ફાયર ટીમને કરતાં તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, થરાદ તાલુકાના નાગલા ગામે ખેડૂત ટ્રેકટર ટ્રોલીમાં ધાસચારો ભરીને ખેતરમાંથી ઘરે જતાં હતા. ત્યારે ઘાસચારોમાં આગ ભભૂકી ઉઠી હતી જેને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે ખેડૂતની સમય સૂચકતા દાખવીને ટ્રોલી હાઇડ્રોલિક કરી લેતાં ઘાસચારો નીચે પડી ગયો હતો અને ટ્રેક્ટર ટ્રોલીનો આઝાદ બચાવ થયો હતો. થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
થરાદ ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, થરાદ તાલુકાનાં નાગલા ગામનાં ખેડૂત સવાભાઈ રવજીભાઇ પટેલના ખેતરમાંથી ઘાસચારો ટ્રોલીમાં ભરી ઘરે લઇ જતા રસ્તામાં શોર્ટસર્કિટ થતાં આગ લાગવાનો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ખેડૂતે સમય સૂચકતા વાપરી ટ્રોલી હાઇડ્રોલિક કરી નાખતા મોટું નુકશાન થતું અટક્યું હતું અને અમારી ટીમ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો.