વડોદરાના ગોત્રી વિસ્તારમાં ટાયરની દુકાનમાં લાગેલી આગ બે કલાકે કાબુમાં આવી
- સ્થાનિક રહિશોએ મધરાતે ફાયર વિભાગને આગ લાગ્યાની જાણ કરી,
- ફાયર બ્રિગેડના 6 બંબા દ્વારા સતત પાણીનો મારો કર્યો,
- રહેણાક વિસ્તારમાં ટાયરની દુકાન સામે સ્થાનિક રહિશોમાં વિરોધ
વડોદરાઃ શહેરના ગોત્રી વિસ્તારમાં નિલંબન સર્કલ નજીક જલારામ સોસાયટી પાસે આવેલી એક ટાયરની દુકાનમાં મધરાત બાદ ભીષણ આગ ફાટી નિકળી હતી. આગને લીધે આજુબાજુના સ્થાનિક રહિશો દોડી આવ્યા હતા. અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. અને 6 જેટલાં લાયબંબાઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
વજોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં નીલંબર સર્કલ પાસે આવેલી જય જલારા નગર સોસાયટી પાસે એક ટાયર્સની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વડોદરા ફાયર અન્ડ ઇમરજન્સી વિભાગને જાણ કરવામાં આવતાં પહેલાં વાસણા ફાયર સ્ટેશન સહિત ત્રણ ફાયર સ્ટેશનની છ ગાડીઓ દ્વારા 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ગોત્રી રોડ પર નિલંબન સર્કલ પાસે આવેલા જલારામ નગર સોસાયટી પાસે એક ટાયરની દુકાનમાં આગ લાગ્યાનો ગત મોડી રાત્રે ફાયર વિભાગને કોલ મળ્યો હતો જેથી તાત્કાલિક વાસણા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખરે ટીપી 13, વડીવાડી અને જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ ભયાનક હોવાના કારણે ફાયર વિભાગે બે કલાક સુધી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી છે, તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ ટાયરનું મટિરિયલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સદનસીબે મોટી જાનહાની થઈ નથી, પરંતુ કેટલોક સામાન બળીને ખાક થઈ ગયો હતો. દરમિયાન સ્થાનિક રહિશોએ એવી ફરિયાદ કરી હતી કે, ટાયર્સની શોપના કર્મચારીઓ તેમજ માલિકને જુના ટાયરો વધુ સંખ્યામાં ન રાખવા અને તેનો નિકાલ કરવાની રજૂઆતો કરવા છતાં પણ જુના ટાયરોનો નિકાલ કરવામાં ન આવતાં આગ લાગી હતી. જે આગ સોસાયટીની વોલ સુઘી પ્રસરતા લોકો ભાયમાં મુકાયા હતા. આવા રહેણાંક વિસ્તારમાં આ રીતે ધંધો કરવો ખૂબ જ જોખમરૂપ છે.