આતંકીઓ અયોધ્યામાં વિસ્ફોટ કરવા માગતા હતા, શાહીને સ્લીપર મોડ્યૂલ કર્યું હતું એક્ટિવ
લખનૌ: દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે. આ દરમિયાન ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સૂત્રો અનુસાર, આ આતંકી મોડીયૂલનો ટારગેટ ઉત્તર પ્રદેશના મંદિરો અને ધાર્મિક સ્થળો હતા, જેમાં ખાસ કરીને અયોધ્યા અને વારાણસી તેમનો મુખ્ય ટાર્ગેટ હોવાનું જાણવા મળે છે.
માહિતી પ્રમાણે, શાહીન નામની મહિલા આતંકવાદીએ અયોધ્યામાં સ્લીપર મોડીયૂલ એક્ટિવ કર્યું હતું. તેમજ અયોધ્યામાં વિસ્ફોટની મોટી યોજના તૈયાર હતી, પરંતુ સમયસર પોલીસને વિસ્ફોટક સામગ્રી મળી જતા આ આખી યોજના પડી ભાંગી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, લાલ કિલ્લા પાસે થયેલો વિસ્ફોટ મૂળ યોજના નહોતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, વિસ્ફોટકમાં ટાઈમર અથવા કોઈ અન્ય ટેકનિકલ ઉપકરણનો ઉપયોગ નહોતો કરવામાં આવ્યો એટલે આ બ્લાસ્ટ ઉતાવળમાં અને ગભરાટભરી પરિસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. પૂછપરછમાં ખુલ્યું છે કે, આ મોડીયૂલ હોસ્પિટલો અને ભીડભાડવાળી જગ્યાઓને ટાર્ગેટ કરવાનું આયોજન કરી રહ્યું હતું, જેથી વધુમાં વધુ જાનહાનિ થઈ શકે. આતંકીઓની "હિટ લિસ્ટ"માં અનેક હોસ્પિટલો અને જાહેર સ્થળોનો સમાવેશ થતો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, 10 નવેમ્બરના સાંજે લગભગ 7 વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા નજીક કાર બ્લાસ્ટ થયો હતો, જેમાં 12 લોકોના મોત થયા હતા અને 20થી વધુ ઘાયલ થયા હતા. આ ઘટનાના બાદથી દેશભરમાં દરોડા અને તપાસ શરૂ થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં ત્રણ મુખ્ય શંકાસ્પદ ડૉ. મુજમ્મિલ, ડૉ. અદિલ અહમદ ડાર અને ડૉ. ઉમરના નામ સામે આવ્યા છે. કહેવાય છે કે ડૉ. ઉમર વિસ્ફોટના સમયે જ મોતને ભેટ્યો હતો, જ્યારે બાકી બે શંકાસ્પદોને સુરક્ષા એજન્સીઓએ પકડી લીધા છે. પોલીસ સમગ્ર ઘટનાને લઈને ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે અને તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.