કચ્છના રાપરમાં રખડતા આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ, યુવાનને અડફેટે લેતા ઈજા
- રાપરમાં રખડતા ઢોરનો વધતો જતો ત્રાસ
- ગત વર્ષે આખલાંને લીધે સાતના મોત નિપજ્યા હતા
- રખડતા ઢોર પકડવામાં મ્યુનિની નિષ્ક્રિયતા
ભૂજઃ કચ્છના રાપર શહેરમાં રખડતા ઢોરોના ત્રાસથી નગરજનો ત્રાહીમામ પોકારી ગયો છે. શહેરના તમામ વિસ્તારોમાં રોડ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. જેમાં જાહેર રસ્તાઓ પર આખલાંઓના દ્વંદયુદ્ધથી રાહદારીઓ અને વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે. ત્યારે તાજેતરમાં શહેરના એપીએમસી વિસ્તારમાં બે ઝગડતા આખલાએ યુવાનને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
રાપર શહેરમાં રખડતા ઢોર અને આંખલાઓનો ત્રાસ રોજબરોજ વધી રહ્યો છે. શહેરમાં અંદાજે 1500થી 2000 જેટલા રખડતા ઢોર લોકોની સલામતી માટે જોખમરૂપ બની રહ્યા છે. તાજેતરમાં એપીએમસી વિસ્તારમાં સાંજે 4 વાગ્યાના સુમારે એક યુવક આંખલાની હડફેટે આવી ગયો હતો. આંખલાઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે યુવક તેની ચપેટમાં આવી ગયો હતો. આ ઘટનામાં યુવક હવામાં ઉછળીને જમીન પર પટકાયો હતો અને તેને ઈજાઓ થઈ હતી.
રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા નગરપાલિકાના સત્તાધિશોને અનેકવાર રજુઆતો કરવા છતાંયે કેઈ પગલાં લેવામાં આવતા નથી. ગત વર્ષે આંખલા યુદ્ધમાં 7 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. શહેરની દરેક ગલીમાં રખડતા ઢોર અને આંખલાઓ જોવા મળે છે. ભોગ બનનારના પરિવારજનો અને રાજકીય આગેવાનોએ વારંવાર રજૂઆતો કરી છે. છતાયે નગરપાલિકા આ સમસ્યાને માત્ર કાગળ પર હલ કરવાનો પ્રયાસ કરી રહી છે. રખડતા ઢોર અને આંખલાઓના ત્રાસ સામે કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. શહેરીજનોએ ફરી એકવાર યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. આ સમસ્યાથી લોકોમાં ભયનો માહોલ છે અને તેમની સલામતી જોખમમાં મુકાઈ રહી છે.