સામખિયાળી-રાધનપુર હાઈવે પર મેવાસા પાટિયા પાસે કન્ટેનર ટ્રક સાથે અથડાયું
- રાજસ્થાન જતા કન્ટેનર ટ્રેલર ડિવાઈડર કૂદીને ટ્રક સાથે અથડાયુ,
- અકસ્માતને લીધે 5 કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો,
- ક્રેઈનથી અકસ્માતનો ભોગ બનેલા વાહનો ખસેડીને ટ્રાફિક ક્લીયર કરાયો
ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં સામખિયાળી-રાધનપુર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. સામખિયાળી-રાધનપુર હાઈવે પર રાપર તાલુકાના મેવાસા પાટિયા નજીક અકસ્માતના કારણે ભારે ટ્રાફિક સર્જાયો હતો. રાજસ્થાન તરફ જતું કન્ટેનર ટ્રેલર અચાનક બેકાબુ બની વચ્ચેના ડિવાઈડરને કૂદીને સામેના માર્ગે ચડી ગયું હતું. જ્યાં સામેથી કચ્છ તરફ આવતી ટ્રક સાથે અથડાઈ પડતા બન્ને વાહનો પલટી મારી ગયા હતા. વાહન અકસ્માતના કારણે કચ્છ તરફનો માર્ગ બાધિત થતા વાહન વ્યવહાર એકમાર્ગીય બની ગયો હતો, જેને લઈ બન્ને તરફ 8 થી 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકમાં માલવાહક વાહનો સાથે ખાનગી અને એસટી બસ સહિતના વાહનો ફસાઈ જતા મુશ્કેલીમાં મુકાયા હતા.ટ્રાફિક પૂર્વવત માટે હાઇવે પેટ્રોલિંગની ટીમને ભારે જહેમત લેવી પડી હતી.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સામખિયાળી રાધનપુર હાઇવે પર રાપરના મેવાસા પાટિયા નજીક પરોઢે અંદાજીત 5 વાગ્યે રાજસ્થાન કરફ ઝઈ રહેલા કન્ટેનર ટ્રેલરના ચાલકને ઝોકું આવી જતા તેને સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કન્ટેનર ટ્રેલર બેકાબુ બની વચ્ચેના ડિવાઈડરને કૂદીને સામેના માર્ગે ચડી ગયું હતું. જ્યાં સામેથી કચ્છ તરફ આવતી ટ્રક સાથે અથડાઈ પડતા બન્ને વાહનો પલટી મારી ગયા હતા.
મેવાસા પાટિયા પાસે વાહન અકસ્માતની આ ઘટનાથી ટ્રાફિકજામ સર્જાયો હતો. માર્ગ ઉપર પલટી ગયેલા કન્ટેનર ટ્રેલરને દૂર ખસેડવા હાઇવે ટીમને ક્રેનની મદદ લેવી પડી હતી. પરંતુ વાહનોની કતારોના કારણે ક્રેનને ઘટનાસ્થળે પહોંચતા ખૂબ સમય લાગી ગયો હતો, આખરે 5 કલાકની જહેમત બાદ ટ્રાફિક આંશિક ખુલો થતા વાહન ચાલકોએ રાહત અનુભવી હતી.