ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની 12મી ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરાઈ
- નવી શરુ કરેલી હેલ્પ લાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિકાલ સુચના
- હેલ્પલાઇન નંબર 079- 66440104માં 3 મહિનામાં 10 હજાર જેટલા કોલ આવ્યા
- ગત્ વર્ષે આયુષ્માન યોજનામાં રૂ. 3760 કરોડના ખર્ચ કરાયો
ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની 12મી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં યોજનાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. ગત વર્ષે યોજના સંલગ્ન કરવામાં આવેલી કામગીરીનું રીવ્યું કર્યુ હતું તેમજ આ વર્ષની નવીન પોલિસી સંદર્ભેની નવી બાબતોની પણ ચર્ચા આ બેઠકમાં થઈ હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,ગત વર્ષની પોલિસીમાં રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના દર્દીઓની સારવાર પાછળ આ યોજના હેઠળ ₹.3760 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરવામાં આવ્યો છે.
ત્રણ મહિના પહેલા PMJAY-મા યોજના સંલગ્ન માહિતી અને જાણકારી મેળવવા તેમજ ફરિયાદ માટે શરું કરવામાં આવેલી હેલ્પલાઇન 079-66440104માં 10 હજાર જેટલા કોલ આવ્યા છે.જેમાંથી મોટાભાગના માહિતી અને જાણકારી મેળવવા માટેના હતા અને ફક્ત 900 જેટલા કોલ ફરિયાદ સંબંધિત આવ્યાં હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
PMJAY-મા યોજના અંતર્ગત સારવાર મેળવતા દર્દીઓ પાસેથી ફીડબેક મેળવવા માટે 104 હેલ્પલાઇન કાર્યરત છે જેના અંતર્ગત હેલ્પ ડેસ્ક રીવ્યું કરતા 99% જેટલા પ્રતિભાવો પોઝિટિવ મળ્યાં હતા. વધુમાં સીએમ ડેશબોર્ડ મારફતે પણ આ યોજનાનું રીવ્યું કરાય છે. જેમાં 92% થી વધુ લોકો આ યોજનાથી ખુશ હોવાનું માલુ પડ્યું હતું.
આ ગવર્નિંગ બોડીની બેઠકમાં નવી શરૂ કરેલી હેલ્પલાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિવારણ માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હોવાનું મંત્રીએ જણાવ્યું છે.
અન્ય મહત્વની જાણકારી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, એન્જીઓપ્લાસ્ટિમાં ઉપયોગમાં લેવાતાં સ્ટેન્ટના ભાવ માટેનો એઝિક્યુટીવ કમિટીનો નિર્ણય ગવર્નીંગ બોડીમાં હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. જેના વિગતવાર ચર્ચા વિચારણા કર્યા બાદ નવો નિર્ણય હાથ ધરાશે.
હાલ નિયત કરેલી 2471 જેટલી હેલ્થ પ્રોસીઝરમાં નવીન મહત્વની પ્રોસિઝર ઉમેરવા માટેની શક્યતાઓની ચકાસણી કરી તે માટે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવનાર હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ ગવર્નિંગ બોડીની બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી ,આરોગ્ય કમિશનર -અર્બન હર્ષદભાઈ પટેલ ,આરોગ્ય કમિશનર - રૂરલ શ્રીમતી રતન કંવરબા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.