લખતર નજીક ઝમર ગામ પાસે કારની અડફેટે બાઈકસવારનું મોત
- સુરેન્દ્રનગરથી નોકરી પરથી પરત ફરતા યુવાનને અકસ્માત નડ્યો,
- અકસ્માત બાદ કારચાલક કાર મુકીને નાસી ગયો,
- પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે લખતર નજીક ઝમર ગામ પાસે વધુ એક અકસ્માતનો બનાવ સર્જાયો હતો. સુરેન્દ્રનગરથી એક યુવાન બાઈક પર લખતર પરત ફરી રહ્યો હતો ત્યારે ઝમર ગામ પાસે પૂર ઝડપે આવેલી કારે બાઈકને ટક્કર મારતા બાઈકચાલક રોડ પર પટકાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ યુવાનનું મોત નિપજ્યુ હતું.
આ બનાવની વિગતો એવી છે કે, સુરેન્દ્રનગરથી લખતર આવતા બાઈકચાલક યુવકને ઝમર ગામ પાસે કારની ટક્કર વાગતા ઘટના સ્થળે મોત થયુ હતુ. લખતર ખાતે જોષી ઝેરોક્ષ નામની દુકાન ધરાવતા હસમુખભાઇ પ્રજાપતિનો પુત્ર 22 વર્ષીય રવિ લગભગ એક મહિના પહેલા નોકરીમાં બદલી કરાવી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતો હતો. નોકરી પુરી કરી સાંજે ઓફિસથી લખતર આવવા નિકળ્યો હતો તે લખતર નજીકના ઝમર ગામ પાસે પહોંચતા જ સામેથી અવતી કારે તેને ટક્કર મારી હતી આથી તે ફંગોળાઇને રોડ પર પછડાયો હતો. આથી ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. કાર ચાલક અકસ્માત સર્જી કાર મુકીને ફરાર થઇ ગયો હતો. આ બનાવની જાણ લખતર પોલીસને થતા મૃતકની લાશ પીએમ અર્થે લખતર સરકારી દવાખાને લઇ જવાઇ હતી. આ યુવાનના લગ્ન આગામી એકાદ બે માસમાં હતા બે બહેનોના એકના એક ભાઇએ જીવ ગુમાવતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે કાર નંબરના આધારે કારચાલકની શોધ કરી છે. આ બનાવમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.