સાબરકાંઠાના પ્રાંતિજમાં 7 વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ગાંધીનગરઃ અમદાવાદના HMPV વાઇરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વસ્ત્રાપુરના 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિને 8મી તારીખે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઇરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્યતંત્રએ સેમ્પલ તપાસ માટે અમદાવાદ અને ગાંધીનગર મોકલી આપ્યાં હતાં, જેનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જોકે હાલ બાળક બેબીકેર હોસ્પિટલમાં વૅન્ટિલેટર પર છે.
આ અંગે મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી બાળક દાખલ છે. પ્રથમ દિવસે જ્યારે બાળક દાખલ થયું ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. હાલમાં બાળક ICUમાં વૅન્ટિલેટર પર મશીન પર છે અને સરકારની ગાઈડ લાઈન મુજબ સારવાર કરવામાં આવી રહી છે. પરંતુ હાલમાં બાળકની પરિસ્થિતિ ક્રિટિકલ જ છે. એક્સ-રેમાં બાળકને ન્યુમોનિયા આવે જ છે.
ગુજરાત સહિત ભારતનાં ચાર રાજ્યમાં આ વાઇરસના કેસ નોંધાયા છે. આ વાઇરસનાં તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.