વડોદરામાં ગાજરવાડી વિસ્તારમાં 7.5 ફુટનો મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયુ
- રેસ્ક્યૂ-ઓપરેશન દરમિયાન મગરે કૂદાકૂદ કરતાં લોકોમાં દોડધામ મચી ગઈ,
- મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપાયો,
- વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરોનો વસવાટ
વડોદરાઃ શહેરના વિશ્વામિત્રી નદીકાંઠા વિસ્તારમાં આવેલી રહેણાકની સોસાયટીઓમાં અવાર-નવાર મગરો આવી જતા હોય છે. ત્યારે શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રોડ ઉપર 7.5 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો. એને પગલે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રેસ્ક્યૂ-ઓપરેશન દરમિયાન મગરે કૂદાકૂદ કરતાં આસપાસ ઊભેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા, જોકે ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યૂ ટીમ મગરને ખેંચીને દૂર લઈ ગઈ હતી અને ભારે જહેમત બાદ એને રેસ્ક્યૂ કર્યો હતો. મગરને વડોદરા વન વિભાગને સોપવામાં આવ્યો હતો.
ચોમાસાની સીઝન પૂરી થયા બાદ પણ વડોદરા શહેરમાં મગરો નીકળવાનો સિલસિલો હજી યથાવત્ છે. ચોમાસાની સિઝનમાં કેટલાક મગરો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી ગયા હતા. આ પ્રકારના મગરો અત્યારે નીકળવાના શરૂ થયા છે, ત્યારે શહેરના ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશન પાસે એક મગર રોડ ઉપર આવી ગયો હતો. એને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી, જેથી આસપાસના લોકોએ તરત જ રેસ્ક્યૂ ટીમને જાણ કરતાં ટીમે સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ- ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વન વિભાગ આ મગરને સલામત રીતે તેના નિવાસસ્થાને (વિશ્વામિત્રી નદી) છોડી દેશે.
શહેરના જીવદયાપ્રેમી હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે દિવાળીનું પર્વનું ચાલી રહ્યું છે. અને લોકો દિવાળીનો ઉત્સવ મનાવી રહ્યા હતા, દરમિયાન મહેન્દ્ર ગોહિલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગાજરાવાડી સુએજ પમ્પિંગ પાસે મગર આંટાફેરા મારી રહ્યો છે. મહાકાય મગર રોડ ઉપર મંદિર પાસે આવી ગયો હતો. આ મગર 7.5 ફૂટનો મગર છે, કોલ મળતા અમારી ટીમ મેમ્બર સંદીપ ગુપ્તા, મયૂર રાઉલજી અને વિશ્વ ગાંધી સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને મગરનું સલામત રીતે રેસ્ક્યૂ કર્યું કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈ પટેલને મગર સુપરત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા, જોકે આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શિડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ એનાં કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે, તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.