વડોદરામાં 10 વર્ષના બાળકની રમતમાં ટાઈ હીંચકામાં ફસાઈ જતાં મોત
- માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો
- પટેલ પરિવારમાં વર્ષો બાદ આવેલી ખૂશી છીનવાઈ
- 10 વર્ષના રચિતે ગળામાં કાપડની ટાઈ પહેરી હતી
વડોદરાઃ શહેરમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ બનાવ બન્યો છે. શહેરના નવાપુરા વિસ્તારમાં એક મકાનમાં હિંચકા ઉપર રમી રહેલા 10 વર્ષના બાળકની ગળામાં પહેરેલી ટાઈ હિંચકાના હૂકમાં ફસાતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. પરિવાર એક સામાજિક પ્રસંગમાંથી પરત આવ્યો અને કિશોર હીંચકા ઉપર રમતો હતો. ત્યારે ટાંઈ હિંચકાના હુંકમાં ફસાઈ જતા કિશોરને ગળે ટૂંપો આવી ગયો હતો. કિશોરને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જતા મોત નિપજ્યું હતું. દુખદ બાબત એ છે કે, પટેલ પરિવારમાં વર્ષો પછી પુત્રનો જન્મ થયો હતો. એકના એક પુત્રનું અકાળે મોત નિપજતા પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા લક્ષ્મી ફ્લેટમાં રહેતા પરિવાર કોઈ પ્રસંગમાંથી ઘેર પરત આવ્યો હતો. અને પરિવારનો 10 વર્ષીય બાળક હિંચકા પર બેસીને હિંચકો ખાઈ રહ્યો હતો. તે દરમિયાન તેના ગળામાં રહેલ કાપડની ટાઈ હિંચકાના કડામાં ફસાઈ જતા બેભાન થયો હતો. ત્યારબાદ તેને માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી લક્ષ્મી ફ્લેટમાં રહેતા ધરમભાઇ પટેલનો દસ વર્ષીય દીકરો રચિત રાત્રિના 8:00 વાગ્યા દરમિયાન ઘરમાં હિંચકો ખાતો હતો. તે દરમિયાન ગળામાં કાપડની ટાઈ પહેરેલી હતી. જે હીંચકાના કડામાં ફસાઈ જતા બેભાન થયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે તેને માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવને લઈ હાલમાં સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.