રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં મિલકતવેરાના સાડાચાર કરોડના 856 ચેક રિટર્ન થયાં
- હવે એક મહિનામાં વેરા ન ભરનારા સામે પોલીસ ફરિયાદ કરાશે
- સરકારી મિલકતોનો જ 93 કરોડથી વધુનો વેરો બાકી બોલે છે
- વર્ષ 2024-25માં 338 કરોડની વસુલાત
રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મિલકતવેરા વસુલાત માટે સમયાંતરે ઝૂંબેશ ચલાવવામાં આવે છે, વર્ષ વર્ષ 2024-2025 માટે રૂ. 410 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો. જે પૈકી અત્યાર સુધીમાં રૂ. 338 કરોડની વસુલાત થઈ છે. જ્યારે રૂ. 72 કરોડ જેટલો વેરો વસુલવા માટે મ્યુનિ. દ્વારા સિલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, વસુલવામાં આવેલા ટેક્સ પૈકી વર્ષ 2024માં રૂ. 4.58 કરોડનાં 856 જેટલા ચેક રિટર્ન થયા છે. ત્યારે મિલકતવેરાનો ટાર્ગેટ કેમ પૂરો થશે તે મોટો સવાલ છે. જોકે, આ મામલે નિયમ મુજબ ફોજદારી ફરિયાદ સુધીના પગલાં લેવાનો મ્યુનિએ નિર્ણય લીધો છે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નોટિસ આપવા છતાંયે કેટલાક મિલકતદારો બાકી વેરા ભરપાઈ કરતા નથી. બાકી મિલકતવેરામાં સરકારી કચેરીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ રેલવે વિભાગનો 14 કરોડ 32 લાખ 94 હજાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 12 કરોડ 82 લાખ 52 હજાર અને કલેક્ટર ઓફિસનો 11 કરોડ 59 લાખ 99 હજાર વેરો ભરવાનો બાકી છે, જે સૌથી વધુ રકમ છે.
આરએમસીના વેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ મ્યુનિ. દ્વારા વેરા વસુલાત માટેની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, આ દરમિયાન વર્ષ 2024માં રૂ. 4.58 કરોડની કિંમતના કુલ 856 જેટલા ચેક રિટર્ન થયા હતા. આ પૈકીનાં 75 ટકા કિસ્સામાં બેંકમાં અપૂરતું ફંડ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને નિયમ મુજબ તેની પણ રિકવરી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં રૂ. 4.19 કરોડનાં 804 ચેકની વસુલાત થઈ ચૂકી છે. જ્યારે રૂ. 39 લાખના 52 ચેક રિકવરી બાકી છે. આ માટે નિયમ મુજબ નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી છે અને જરૂર પડ્યે ફોજદારી ફરિયાદ કરવામાં આવશે..
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ. દ્વારા વર્ષ 2024-25 માટે રૂપિયા 410 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો. જેની સામે અત્યાર સુધીમાં રૂ. 338 કરોડની વસુલાત કરાઈ ચૂકી છે અને બાકીની રકમ વસૂલવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે વધારાનાં સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવી ચૂકી છે. સામાન્ય રીતે ઘણા લોકો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ ટેક્સ ભરવાનો આગ્રહ રાખતા હોય છે. હાલ 5થી 25 હજાર રૂપિયાનો વેરો બાકી હોય તેવા બાકીદારો પાસેથી પણ મિલકત અને પાણી વેરો વસુલવામાં આવી રહ્યો છે. જેને લઈને બાકી રહેલા અઢી માસ દરમિયાન લક્ષ્યાંક પૂરો થવાની પૂરતી સંભાવના છે. ટેક્સ વિભાગ દ્વારા અત્યાર સુધી રૂ. 50 હજારથી વધુ વધુ રકમનો ટેક્સ બાકી હોય તેવા મિલકતધારકો સામે સિલિંગ સહિતની કામગીરી કરવામાં આવતી હતી. હવે છેલ્લા બે મહિના દરમિયાન જે મિલકતધારકોનો રૂ. 25 હજારથી વધુ રકમનો ટેક્સ બાકી છે, તેમની સામે પણ સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. આવા મિલકત ધારકોની યાદી તૈયાર થઈ ગઇ છે અને હવે આ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.