અમદાવાદમાં રિક્ષા યુનિયનની અપીલ બાદ 800 રિક્ષાચાલકોએ યુનિફોર્મ પહેર્યા
- ચોરગેન્ગને લીધે રિક્ષાચાલકોની છબી ખરડાતી અટકાવવા યુનિફોર્મની ઝૂંબેશ,
- રિક્ષાચાલકોની અલગ ઓળખ ઊભી કરવાના પ્રયાસો
- રિક્ષાચાલકોને વિના મૂલ્યે કરાતુ યુનિફોર્મનું વિતરણ
અમદાવાદઃ શહેરમાં રિક્ષાઓમાં પ્રવાસીઓને લૂંટના બનાવો વધતા જાય છે. લૂંટારૂ ગેન્ગ દ્વારા રિક્ષાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેના લીધે રિક્ષાચાલકો બદનામ થઈ રહ્યા છે. ત્યારે રિક્ષા યુનિયને જ રિક્ષાચાલકોની ખરડાતી છબીને અટકાવવા માટે તમામ રિક્ષાચાલકોને ફરજિયાત યુનિફોર્મની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 800 જેટલા રિક્ષાચાલકોને યુનિફોર્મ આપવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રાઈવર અને પ્રવાસીના સ્વાંગ રચીને ચોર ટોળકી અન્ય પેસેન્જરોને રિક્ષા બેસાડીને તેમના કિંમતી માલસામનની ચોરી કરી લેવાના બનાવો બની રહ્યા છે, આવા બનાવોના પગલે કરે કોઈ અને ભરે કોઈ જેવી સ્થિતિ નિર્માણ પામી હોવાથી રિક્ષા ડ્રાઈવરોની છબી ખરડાઈ રહી છે. ત્યારે રિક્ષા ચાલકોના એક યુનિયને રિક્ષા ડ્રાઈવરોની અલગ ઓળખ ઉભી થાય તે માટે વધુમાં વધુ ડ્રાઈવરો ખાખી યુનિફોર્મ પહેરાવવા માટે પહેલ શરૂ કરી છે. અત્યારસુધી 700 ડ્રાઈવરોએ યુનિફોર્મ લીધા બાદ શનિવારે વધુ 100 ડ્રાઈવરોને યુનિફોર્મનું વિતરણ કરાયું હતું.
આ અંગે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ કહ્યુ હતું કે, છેલ્લા ઘણાં સમયથી રિક્ષા ડ્રાઈવરના નામે ચોર અને લૂંટારૂ ટોળકી બેફામ બની છે. આવી ટોળકીઓ ગુના આચરે અને આખરે બદનામી અમારા રિક્ષાચાલકોને સહન કરવી પડે છે. ત્યારે આજના સમયમાં દરેક વ્યવસાયમાં દરેક વ્યક્તિનો એક યુનિફોર્મ હોય છે. તેમ અમે પણ રિક્ષા ડ્રાઈવરો યુનિફોર્મ પહેરતા થાય તે માટે છેલ્લા પાંચ વર્ષથી પ્રયાસ કરીએ છીએ. પરંતુ હમણાંથી રિક્ષામાં ક્રાઈમના કેસોમાં વધારો થયો હોવાથી અમે વિચાર્યુ છે કે વધારેને વધારે ડ્રાઈવરો ખાખી યુનિફોર્મ પહેરે તેવો પ્રયાસ કરી રહ્યા છે. શરૂઆતમાં અમે 300 ડ્રાઈવરોને વિનામૂલ્યે યુનિફોર્મનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ 400 ડ્રાઈવરોએ સ્વખર્ચે યુનિફોર્મ સિવડાવીને પહેરવાનું શરૂ કર્યું હતું. જ્યારે શનિવારે વધુ 100 ડ્રાઈવરોને સ્વખર્ચે યુનિફોર્મનું વિતરણ કરાયું હતું. આમ શહેરમાં કુલ 800 યુનિફોર્મ ડ્રાઈવરોએ પહેર્યા છે. શહેરનો દરેક રિક્ષા ડ્રાઈવર ખાખી યુનિફોર્મ પહેરે એવો અમારો ધ્યેય છે.