અમદાવાદ જિલ્લામાં શાળાઓમાં ડ્રોપઆઉટ થયેલા 7000 બાળકોને પુનઃ પ્રવેશ અપાયો
- અમદાવાદ ગ્રામ્યની સ્કૂલોમાંથી 12000 બાળકો ડ્રોપઆઉટ થયા હતા,
- ભણતર અધવચ્ચે છોડનારા બાળકોને પુનઃ શિક્ષણ આપવાના પ્રયાસો હાથ ધરાયા,
- જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સરાહનીય કામગીરી
અમદાવાદઃ ગુજરાતમાં શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો સૌથી વધુ છે. ત્યારે રાજ્ય સરકારે પણ શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના પ્રયાસો શરૂ કર્યા છે. અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં ધોરણ 9થી 12માં 12000 વિદ્યાર્થીઓ અધૂરા ભણતરે અભ્યાસ છોડી દીધી હતી. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળા છોડીને ગયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીનો સંપર્ક કરીને ફરીવાર શાળામાં પ્રવેશ આપવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં ડ્રોપ આઉટ થયેલા 7000 વિદ્યાર્થીઓને શાળાઓમાં પુનઃ પ્રવેશ આપવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા થોડા સમય અગાઉ રાજ્યમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ડ્રોપાઉટ રેશિયો જાહેર કરવામાં આવ્યો હતો. ડ્રોપ આઉટ રેશિયો જાહેર થયા બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું હતું અને સ્કૂલમાંથી ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓનો સર્વે હાથ ધરીને વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલે લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેમાં અમદાવાદ ગ્રામ્યની સ્કૂલોના 12,000થી વધુ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયા હતા, જેમાંથી 7 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા છે. બાકીના 5 હજાર વિદ્યાર્થીઓને ટ્રેક કરીને તેમને શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે, જે આ સપ્તાહમાં પૂર્ણ થશે.
અમદાવાદની ડીઈઓ કચેરીના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ ગ્રામ્યની અલગ-અલગ સ્કૂલમાં ધોરણ 9થી 12ના 12 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થયા હતા. જે બાદ ગ્રામ્ય DEOની કચેરીની ટીમ દ્વારા આ વિદ્યાર્થીઓને શોધવાની પ્રક્રિયા ચાલી રહી હતી. અત્યાર સુધી 7 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં આવ્યા છે. આ ટ્રેક થયેલા વિદ્યાર્થીઓને ઓપન સ્કૂલમાં પ્રવેશ અપાવવામાં આવે છે તો કેટલાક વિદ્યાર્થીઓને નિયમિત સ્કૂલમાં પણ પ્રવેશ આપવામાં આવ્યો છે.સરકારી ચોપડે ડ્રોપઆઉટ દર્શાવેલા વિદ્યાર્થીઓ પૈકી ગ્રામ્યના 30% જેટલા વિદ્યાર્થીઓ નિયમિત સ્કૂલમાં અભ્યાસ કરતા હતા પરંતુ ટેકનિકલ કારણોસર ટ્રેક થયા નહોતા.
આ અંગે ગ્રામ્ય DEOએ જણાવ્યું હતું કે અમારી ટીમ દ્વારા 7000 કરતા વધુ વિદ્યાર્થીઓને ટ્રેક કરીને સ્કૂલે પરત લાવવામાં આવ્યા છે.જેમાંથી 5300 વિદ્યાર્થીઓને ઓપન સ્કૂલમાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે.જ્યારે 300 વિદ્યાર્થીઓને નિયમિત સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. 2000 વિદ્યાર્થીઓ નિયમિત સ્કૂલમાં અભ્યાસ કરતા હતા પરંતુ ટેક્નિકલ કારણસર ટ્રેક થઈ શક્યા નહોતા. હવે બાકીના 5000 વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં ટ્રેક કરીને સ્કૂલમાં પ્રવેશ અપાવવામાં આવશે.