ઇઝરાયલના હવાઈ હુમલામાં ઉત્તર અને દક્ષિણ ગાઝામાં 70 લોકોના મૃત્યુ
ઇઝરાયલના હવાઈ હુમલામાં ઉત્તર અને દક્ષિણ ગાઝામાં 70 લોકો માર્યા ગયા હતા. જેના એક દિવસ પહેલા ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે જ્યાં સુધી આતંકવાદી જૂથ હમાસનો નાશ ન થાય ત્યાં સુધી ઇઝરાયલ પેલેસ્ટાઇન પર હુમલો કરવાનું બંધ કરશે નહીં.ગાઝાના આરોગ્ય મંત્રાલય અને હોસ્પિટલો અનુસાર, ફક્ત ઉત્તરી ગાઝાના જબાલિયામાં પચાસ લોકો મૃત્યુ પામ્યા છે. મંગળવારે ઇઝરાયલી સેનાએ જબાલિયાના નાગરિકોને સલામત સ્થળોએ જવા કહ્યું હતું.7 ઓક્ટોબર 2023 ના રોજ દક્ષિણ ઇઝરાયલમાં આયોજિત એક સમારોહમાં હમાસ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં બારસો લોકો માર્યા ગયા બાદ બંને પક્ષો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું.
રશિયા,ચીન અને યુકેએ ગાઝામાં સહાય વિતરણ માટે યુએસ-ઇઝરાયલની યોજનાને નકારી કાઢી છે, તેના બદલે ઇઝરાયલને ગાઝા પરનો બે મહિનાથી લાગુ નાકાબંધી હટાવવા અપીલ કરી છે. સાઉદી અરેબિયાની મુલાકાત લેવા જઈ રહેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ ગાઝામાં સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માટે કામ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ આ યુદ્ધને રોકવા માગતા નથી. તેઓ હમાસને ખતમ કરી દેવાનું નિવેદન આપી રહ્યા છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલય અનુસાર,ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ઓછામાં ઓછા 52,908 સ્થાનિકો માર્યા ગયા છે અને 119,721 ઘાયલ થયા છે. સરકારી મીડિયા ઓફિસે મૃત્યુઆંક 61,700 દર્શાવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, કાટમાળ નીચે ગુમ થયેલા હજારો લોકોને પણ મૃત જાહેર કરવામાં આવ્યા છે.