અમદાવાદમાં એરપોર્ટ પર દૂબઈથી આવેલા પ્રવાસી પાસેથી 660.960 ગ્રામ સોનું મળ્યું
- પ્રવાસીએ શરીરમાં બે કેપ્સુલ સંતાડી હતી
- બેંગકોકથી આવેલી મહિલા પાસેથી ગાંજો પકડાયો
- કસ્ટમ વિભાગે હાથ ધરી તપાસ
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દૂબઈથી આવેલી એક પ્રવાસી પાસેથી 53 લાખની કિંમતનું 660.960 ગ્રામનું સોનાનું 24 કેરેટનું બિસ્કિટ મળ્યુ હતું તેમજ બેંગકોકથી આવેલી એક મહિલા પાસેથી 2345 કિલોગ્રામ ગાંજો પણ કસ્ટમ વિભાગે પકડી પાડ્યો હતો.
અમદાવાદમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખાસ કરીને દૂબઈ આવતા પ્રવાસીઓ પર ખાસ વોચ રાખવામાં આવતી હોય છે. દૂબઈમાં સોનું ટેક્સ ફ્રી મળતુ હોવાથી ઘણા પ્રવાસીઓ દૂબઈથી સત્તુ સોનું લાવતા હોય છે. ઘણા પ્રવાસીઓ તો કેરિયર બનીને સોનાની દાણચોરી કરતા હોય છે. ત્યારે એરપોર્ટ પર પ્રવાસીઓના લગેજની તપાસ કરવામાં આવતી હોય છે, તેમજ દરેક પ્રવાસીની સ્કેનર દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે. દરમિયાન એર ઇન્ટેલિજન્સ યુનિટે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં દુબઈથી આવેલા એક વ્યક્તિને શંકા જતાં અટકાવ્યો હતો. તેની તપાસ કરતાં શરીરમાં સંતાડેલી 2 કેપ્સ્યુલ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં સોના અને રસાયણનું મિશ્રણ કરાયું હતું. કસ્ટમ વિભાગે પ્રવાસીની અટક કરીને વધુ તપાસ હાથ ધરી હતી,
આ ઉપરાંત થાઈલેન્ડથી આવેલી મહિલા પેસેન્જર ‘થાઈલેન્ડ’ના માર્કાવાળી ટ્રોલી બેગમાં ડ્રગ્સ સંતાડીને લાવી હોવાની માહિતીના આધારે તેની પૂછપરછ તેમજ તેના સામાનની તપાસ કરતા ટ્રોલી બેગમાં કપડા અને ફૂડ પેકેટ્સની આડમાં સંતાડેલા મારિજુઆના ડ્રગ્સની ચાર બેગ જપ્ત કરાઈ હતી. મહિલા બેંગકોકથી થાઈ એરવેઝમાં અમદાવાદ આવી હતી. તે આ ડ્રગ્સ કોના માટે લાવી હતી તેની કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી છે.