સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ વિદ્યાર્થીઓમાં 65 ટકાનો ઘટાડો
- પ્રવેશ પ્રક્રિયામાં વધુ વિલંબ થતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો
- ગત વર્ષે 9,065 વિદ્યાર્થીઓ હતા, આ વખતે 2,515 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા ફોર્મ ભર્યા,
- વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લીધો
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ કે નોકરી કરનારા કર્મચારીઓ ઘેરબેઠા પરીક્ષા આપીને ડિગ્રી મેળવી શકે તે માટે એક્સટર્નલ પરીક્ષા લેવામાં આવે છે. જેમાં દર વર્ષે એક્સટર્નલ અભ્યાક્રમોમાં જોડાઈને હજારો વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવતા હોય છે. પરંતુ હવે યુનિવર્સિટીના સત્તાધિશોની લાપરવાહીને કારણે એક્સટર્નલ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને નોકરીયાતો ઘેર બેઠા ભણી શકે તે માટે એક્સટર્નલ પરીક્ષા આપીને ડિગ્રી મેળવી શકે છે. જોકે વર્ષ 2024ની પ્રવેશ પ્રક્રીયા 2025ના બીજા માસમાં થતા ફોર્મ ભરનારાઓની સંખ્યામાં 6,500નો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 9,065 વિદ્યાર્થીઓએ એક્સટર્નલ પરીક્ષા નોંધાયા હતા. પણ આ વખતે માત્ર 2,515 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા ફોર્મ ભર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડતના કારણે એક્સટર્નલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા મોડી શરૂ થતા મોટાભાગના વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લઈ લીધા છે. જેથી સત્તાધીશોની અણઆવડત કહો કે ખાનગી યુનિવર્સિટી પ્રત્યે પ્રેમ એક જ વર્ષમાં એક્સટર્નલમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યામા 65 ટકાનો ઘટાડો થયો છે.
સૂત્રોના કહેવા મુજબ વર્ષ 2023માં ઓકટોબર-નવેમ્બરમાં એક્સટર્નલ અભ્યાસ માટે પરીક્ષા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જેમાં સ્નાતક એટ્લે કે બી.એ. અને બી.કોમ.માં 3,493 અને અનુસ્નાતક એટ્લે કે એમ.એ. અને એમ.કોમ.માં 5,572 ફોર્મ ભરાયા હતા. જોકે, વર્ષ 2024ની એક્સટર્નલ અભ્યાસ માટે પરીક્ષા ફોર્મ ભરવાની શરૂઆત વર્ષ 2025ના ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થઈ. જેને લીધે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને નાછૂટકે ખાનગી યુનિવર્સિટીમાં લૂંટાવવું પડ્યું છે.
અ અંગે NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ ગત વર્ષના રાહ જોઈ રહ્યા હતા. તેવામાં દર વર્ષે ઓકટોબર આસપાસ શરૂ થઈ જતી એક્સટર્નલમાં પ્રવેશની પ્રક્રિયા વર્ષ 2024માં શરૂ જ ન થઈ. જોકે, આ પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2025ના જાન્યુઆરી માસના અંતથી શરૂ થઈ. એટ્લે કે 23 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓ એક્સટર્નલમાં બી.એ., બી.કોમ., એમ.એ. તેમજ એમ.કોમ.માં પ્રવેશ માટે ફોર્મ ભરવાનું જાહેર થયું. જોકે ગત વર્ષે એક્સટર્નલ અભ્યાસ કરવા માગતા મોટાભાગના વિદ્યાર્થીઓએ તો ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લીધો હતો.