For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાષ્ટ્રીય સ્તરે ડ્રાઈવરો દ્વારા જ સંચાલિત થનાર ભારત ટેક્સી સેવાનો ગુજરાતમાં નવો ઇતિહાસ રચાયો

12:37 PM Dec 03, 2025 IST | revoi editor
રાષ્ટ્રીય સ્તરે ડ્રાઈવરો દ્વારા જ સંચાલિત થનાર ભારત ટેક્સી સેવાનો ગુજરાતમાં નવો ઇતિહાસ રચાયો
Advertisement
  • ટેક્સી સેવામાં પણ હવે સહકારી મોડલ લાગુઃ દિલ્હીમાં ટ્રાયલ શરૂ, બીજા ક્રમે ગુજરાત

(અલકેશ પટેલ) ગાંધીનગર, 3 ડિસેમ્બર, 2025ઃ Bharat Taxi Service ટેક્સી સેવાને દેશી-વિદેશી કંપનીઓની જાળમાંથી મુક્ત કરવા અને ડ્રાઈવરોને પડતી મુશ્કેલીઓ નિવારવા ભારત સરકાર દ્વારા દેશની પ્રથમ સહકારી કૅબ સેવાનો વિચાર વહેતો મૂકવામાં આવ્યો હતો. આ સેવા હવે ટૂંક સમયમાં શરૂ થશે.

Advertisement

ઓલા અને ઉબર જેવા ખાનગી ઓપરેટરો સાથે સીધી સ્પર્ધા કરવા માટે થોડા મહિના પહેલાં ભારત ટેક્સીનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા નવી રાષ્ટ્રીય સહકારી નીતિની જાહેરાત સમયે આ અંગે સંકેત આપવામાં આવ્યો હતો. જેને પગલે કેન્દ્રીય સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ (NeGD) દ્વારા સંયુક્ત રીતે આ પહેલ કરવામાં આવી છે. આ દિશામાં ગત 10મી ઑક્ટોબરે NeGD અને સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ (ભારત ટેક્સી) વચ્ચે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા.

Bharat Taxi service

Advertisement

આ માટેનો પાયલોટ પ્રોજેક્ટ ગયા મહિને અર્થાત નવેમ્બરમાં દિલ્હીમાં શરૂ કરવામાં આવ્યો હતો. તેની સફળતાને પગલે હવે આ મહિને, ડિસેમ્બરના મધ્યમાં ગુજરામાં પણ ટ્રાયલ હાથ ધરવામાં આવશે.

અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારત ટેક્સી દ્વારા ગુજરાતમાં પ્રોજેક્ટ લૉન્ચ કરવાની જાહેરાત થઈ તે સાથે છેલ્લા બે-ત્રણ દિવસમાં રાજકોટ શહેરમાં 1000થી વધુ તેમાં જોડાવા માટેની નોંધણી કરાવી દીધી છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયના એક અહેવાલ અનુસાર ભારત ટેક્સીની જાહેરાતને ટેક્સી ચાલકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને છેલ્લા થોડા દિવસમાં દેશમાં અત્યાર સુધીમાં 50,000 કરતાં વધુ ડ્રાઈવરોએ નોંધણી કરાવી દીધી છે. આ મીડિયા અહેવાલ અનુસાર આ એક પ્રકારે વૈશ્વિક રેકોર્ડ છે, કેમ કે અમેરિકાના ન્યૂયોર્કમાં 2020માં આવી જ સહકારી ધોરણે ટેક્સી સેવા શરૂ થઈ ત્યારે તેમાં 4000 સભ્યો જોડાયા હતા.

શું છે ભારત ટેક્સી અને કેવી રીતે કામ કરશે?

ભારત ટેક્સી ભારતની પ્રથમ સહકારી, સરકાર-સમર્થિત ટેક્સી સેવા છે જેનો હેતુ ડ્રાઇવરો અને મુસાફરો બંનેને પારદર્શી સિસ્ટમ પૂરી પાડવાનો છે. આ વ્યવસ્થા કેન્દ્રીય સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ (NeGD) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે જેમાં ડ્રાઈવર પોતે જ માલિક હશે અને તેમણે ટેક્સી સંચાલન માટે કોઈને કમિશન આપવું નહીં પડે.

આ માટેની મોબાઈલ એપ પણ તૈયાર થઈ ગઈ છે. ગૂગલ પ્લે સ્ટોર ઉપર તે ઉપલબ્ધ છે અને iOS વર્ઝન ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

આ સમગ્ર પહેલ સંપૂર્ણપણે સહકારી સંસ્થાઓ- NCDC, IFFCO, GCMMF (અમૂલ), KRIBHCO, NABARD, NDDB, NCEL દ્વારા સમર્થિત છે અને તેમાં કોઈ સરકારી હસ્તક્ષેપ નથી.

મીડિયા અહેવાલ અનુસાર આ સમગ્ર વ્યવસ્થાના સંચાલન માટેની સમિતિમાં બે ડ્રાઈવરની વરણી કરવામાં આવી છે જે પૈકી એક અમદાવાદના કિશન પટણીનો પણ સમાવેશ થાય છે.

ભારત ટેક્સીનું સંચાલન સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે, જે બહુ-રાજ્ય સહકારી સંસ્થા છે જેમાં સહકારી નેતાઓ અને ડ્રાઇવર પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ સહકારી સંસ્થાના અધ્યક્ષ અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા છે અને રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC)ના રોહિત ગુપ્તા વાઇસ-ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે.

ગુજરાતને સતત વાંચતું રાખવા કોઈ પુસ્તકની “પરબ” માંડે છે તો કોઈ “અભિયાન” ચલાવે છે

Advertisement
Tags :
Advertisement