નર્મદા યોજનાના માઈનોર અને પેટા માઈનોર કેનાલના 6000 કિમીના કામો બાકી
- સરકારે સ્વીકાર્યુ કે, 5921 કિમીના કેનાલના કામો બાકી છે
- નર્મદાની મુખ્ય શાખા નહેરના મોટાભાગે પૂર્ણ
- પેટા કેનાલો બનાવવામાં સરકારની ઉદાસિનતા
અમદાવાદઃ નર્મદા યોજનાની કેનાલો દ્વારા સિંચાઈનો લાભ અપાતા ગુજરાતમાં સુરેન્દ્રનગરથી કચ્છ સુધીની ઉજ્જડ ગણાતી જમીનો નંદનવન સમી બની છે, અને કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. બીજી બાજુ રાજ્યના ગણા વિસ્તારોમાં હજુ સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચ્યા નથી કારણે કે માઈનોર અને પેટા માઈનોર કેનાલોના ઘણા કામો બાકી છે. આજે પણ હજારો ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. કારણ કે, ગુજરાત સરકાર આટલા વર્ષો પછી પણ કેનાલો બનાવી શકી નથી. ખુદ સરકારે સ્વીકાર્યું છે કે, 5,921 કિ.મી કેનાલ બનાવવાના કામો બાકી છે.
ગુજરાતમાં કેનાલોનુ નેટવર્ક સ્થાપવામાં સરકાર ઉદાસિન છે. જો કેનાલોનું પુરતું નેટવર્ક હોય તો, ખેડૂતોનો સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. કારણ કે, નર્મદાની મુખ્ય શાખા નહેર મોટાભાગે પૂર્ણ થઈ છે. માત્ર 46.13 કિ.મી કેનાલ બનાવવાનું બાકી છે. પરંતુ, 1052 કિ.મી પ્રશાખા અને 4663 કિ.મી પ્રપ્રશાખા હજુ સુધી બનાવવામાં આવી નથી. કુલ 69829 કિ.મી નર્મદા કેનાલ બનાવવાનું નક્કી કરાયું છે પરંતુ, અત્યાર સુધી માત્ર 53908 કિ.મી કેનાલ જ બની શકી છે. હજુ 5921 કિ.મી કેનાલ બનાવવાનું બાકી છે. નિષ્ણાંતો અનુસાર, જો કેનાલ નેટવર્ક બની જાય તો ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચી શકે અને ખેડૂતોને લાભ મળી શકે.
ગુજરાત સરકાર માઈનોર અને સબમાઈનોર નાની કેનાલ બનાવવામાં ઉદાસિન રહી છે. સૌરાષ્ટ્રના અમરેલી સહિત ઘણા જિલ્લામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચ્યા નથી. શાખા નહેરના 46.12 કિમીના કામો બાકી છે. જ્યારે વિશાખા નહેરના 159.70 કિમીના કામો બાકી છે. આ ઉપરાંત પ્રશાખાના 1052.26 કિમીના કામો બાકી છે.