For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતના પૂણા ગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પરિવારના 6 સભ્યો દાઝી ગયા

05:38 PM Jan 07, 2025 IST | revoi editor
સુરતના પૂણા ગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પરિવારના 6 સભ્યો દાઝી ગયા
Advertisement
  • દાઝી ગયેલા તમામને હોસ્પિટલ ખસેડાયા, ત્રણની હાલત ગંભીર
  • વહેલી સવારે ધડાકા સાથે સીલિન્ડર ફાટ્યા બાદ આગ લાગી
  • એક રૂમમાં રાજસ્થાની પરિવાર ભાડે રહેતો હતો

સુરતઃ શહેરના પુણાગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનના એક રૂમમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. જેમાં રાજસ્થાની પરિવારના 6 સભ્યો દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો દાડી આવ્યો હતો. આગમાં પરિવારની ઘર-વખરી બળીને ખાક થઈ ગઈ હતી.

Advertisement

શહેરના પુણા ગામ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા એક પરિવારના પાંચ સભ્યો સહિત છ લોકો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગેલી આગમાં દાઝી ગયા હતા. મકાનના બીજા રૂમમાં એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બંને રૂમમાં આગ લાગી હતી. તમામને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગમાં દાઝેલો પરિવાર મકાનના એક રૂમમાં ભાડે રહેતો હતો.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ  મૂળ રાજસ્થાન વતની અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં ભાડાના મકાનમાં 42 વર્ષીય પપ્પુ ગજેન્દ્ર ભદોરીયા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની બે દીકરી અને એક દીકરો છે. ગજેન્દ્ર ભદોરીયા  રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.  ગત રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સુઈ ગયા હતા. દરમિયાન વહેલી સવારે છ વાગ્યા આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી. જેના પગલે રૂમમાં સુઈ રહેલા તમામ સભ્યોમાં નાસભાગ મચી હતી. ત્યારબાદ તમામ લોકો દોડીને બહાર આવ્યા હતા અને તમામ લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિવારના બે સભ્યો સહિત ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તમામને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, ગજેન્દ્રભાઈ જે રૂમમાં રહે છે તેની બાજુમાં એક રૂમ આવેલી છે તે રૂમમાં વહેલી સવારે ગેસનો બાટલો ફાટતા બંને રૂમમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગજેન્દ્રભાઈની બાજુમાં રહેતા યુવકે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ હોસ્પિટલે પરિવાર પહોંચ્યો હતો. જ્યાં ત્રણ લોકોની હાલત ગંભીર છે.

રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા લોકોએ જણાવ્યુ હતું કે,  સવારે 6:20 કલાકે ધડાકાનો અવાજ આવ્યો હતો. ધડાકાનો અવાજ સાંભળતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. બહાર નીકળીને જોયું તો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને આગ પણ લાગી ગઈ હતી. અને લોકો ચીસો પાડી રહ્યા હતા જેથી 108ને બોલાવીને તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટના પગલે 6 લોકો દાઝી ગયા હતા. આ સાથે જ ઘરમાં આગ લાગી હતી જેથી સામાન પણ બળીને ખાક થયો હતો. ધડાકાના પગલે બારી બારણા પણ તૂટી ગયા હતા.

Advertisement
Tags :
Advertisement