ભાવનગર નજીક હાઈવે પર ડમ્પર પાછળ ખાનગી લકઝરી બસ અથડાતા 6નાં મોત
- લકઝરી બસના 20થી વધુ પ્રવાસીઓને હોસ્પિટલ ખસેડાયા,
- લકઝરીના બસચાલકને રોડ સાઈડ પર પાર્ક કરેલું ડમ્પર દેખાયું નહીં,
- મેયર સહિત ભાજપના નેતા હોસ્પિટલ દોડી ગયા
ભાવનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ ભાવનગરના ત્રાપજ નજીક ડમ્પર અને લકઝરી બસ વચ્ચે સર્જાયો હતો. ભાવનગરના ત્રાપજ પાસે હાઈવે પર આજે વહેલી સવારે રોડની સાઇડમાં ઊભેલા ડમ્પર ટ્રકની પાછળ ખાનગી બસ અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ભાઇ-બહેન સહિત 6 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 20 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઇવરે રોડની સાઇડમાં કર્યું હતું, આ દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 20થી વધુ લોકોને ઈજા થતાં તમામને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગોઝારા અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો અને અન્ય વાહનચાલકો એકઠા થયા હતા અને પોલીસ સહિત 108ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તુરંત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
પોલીસે લકઝરી બસના ડ્રાઈવરની અટકાયત કરી હતી લક્ઝરી બસના ડ્રાઇવર વલ્લભભાઈ સોન્ડાભાઈ મકવાણાએ પોલીસને જણાવ્યું હતું કે, અમારી બસ સુરતથી રાજુલા આવતી હતી. આખી બસ પેસેન્જરથી ફુલ ભરેલી હતી. આ દરમિયાન ત્રાપજ નજીક ડમ્પર રોડની સાઇડમાં ઊભું હતું પણ કોઇ પથ્થરો મૂકેલા ન હતા, જેથી મારું ધ્યાન નહોતું ગયું. નજીક જતાં અચાનક મારું ધ્યાન ગયું એટલે મેં ટ્રાય કર્યો પણ પછી બસ કાબૂમાં રહે એમ નહોતી એટલે આ દુર્ઘટના ઘટી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ ડમ્પર અને લકઝરી બસ વચ્ચેના અકસ્માતમાં મૃતકોનાં નામ જાણવા મળ્યા છે. જેમાં ગોવિંદ ભરતભાઇ કવાડ (ઉ.વ. 4 રહે. માંડલ), તમન્ના ભરતભાઈ કવાડ (ઉ.વ. 7 રહે. માંડલ), ખુશીબેન કલ્પેશભાઈ બારૈયા (ઉ.વ. 8 રહે. મોરંગી), જયશ્રી મહેશભાઈ નકુમ (ઉ.વ. 38 રહે. વાઘનગર), ચતુરાબેન મધુભાઈ હડિયા (ઉ.વ. 45 રહે. કોટડી-રાજુલા), અને છગનભાઇ કળાભાઈ બલદાણિયા (ઉ.વ. 45 રહે. રસુલપરા-ગીરગઢડા)ના નામ હોવાનું જાણવા મળ્યુ છે. આ અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા ગોવિંદ અને તમન્ના સગાં ભાઇ-બહેન હતાં. જેમનો પરિવાર ખેતી અને વેપાર-ધંધા સાથે જોડાયેલો છે. આ બંને ભાઇ-બહેન સુરતમાં આહિર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ગયાં હતાં, જ્યાં ફરીને પરત આવતી વેળાએ આ અકસ્માતમાં મોતને ભેટ્યાં હતાં.