માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો, નવસારીમાં 5 વર્ષનું બાળકનું લિફ્ટમાં ફસાતા મોત
- માતા આવે તે પહેલા 5 વર્ષના પૂત્રએ લિફ્ટ ચાલુ કરી દીધી,
- ફાયરના જવાનોએ લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢ્યો,
- બાળકના મોતથી નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં શોક છવાયો
નવસારીઃ શહેરના વિજલપુર વિસ્તારમાં નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 વાગ્યે 5 વર્ષનો બાળક લિફ્ટમાં ફસાય જતા તેનું મોત નિપજ્યું હતું. આ કરૂણ બનાવ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટની લિફ્ટમાં આજે સવારે 9 વાગ્યે સુરત મ્યુનિ અધિકારીનો 5 વર્ષીય પુત્ર સાર્થક લિફ્ટમાં ફસાઈ ગયો હતો, જેથી ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને કટર વડે લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢ્યો હતો, જોકે તેનો જીવ બચાવી શક્યા નહોતા.
આ બનાવની વિગત એવી છે કે, નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં આવેલા નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 વાગ્યે 5 વર્ષનો બાળક તેની માતા સાથે બહાર જઈ રહ્યો હતો. ત્યારે માતા ઘરના દરવાજાને લોક લગાવી રહી હતી અને બાળક દોડીને લિફ્ટમાં પહોંચી ગયો હતો. અને માતા આવે એ પહેલાં જ બાળકે બીજા માળેથી લિફ્ટ ચાલુ કરી દીધી હતી અને લિફ્ટમાં ફસાઈ ગયો હતો. જેથી બાળકને બચાવવા માટે નવસારી ફાયરબ્રિગેડની ટીમે કટર વડે લિફ્ટને કાપીને બાળકને બહાર કાઢ્યું હતું. આ બનાવની સમગ્ર વિસ્તારમા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલા નિરવ એપાર્ટમેન્ટની લિફ્ટમાં બાળક ફસાયો હોવાનો કોલ મળતા ફાયરનો સ્ટાફ બચાવ માટે દોડી ગયો હતો. બાળકને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમે કટર વડે લિફ્ટને કાપીને બાળકને બહાર કાઢ્યું હતું મૃતક બાળકનું નામ સાર્થક વિપુલ બારીયા હતું અને તેની ઉંમર માત્ર પાંચ વર્ષ હતી. સાર્થક એપાર્ટમેન્ટના બીજા માળે લિફ્ટમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ અને દીવાલ વચ્ચે બાળક ફસાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમને સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો. બાળકને લિફ્ટમાંથી બહાર કાઢ્યા બાદ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે.
આ દુર્ઘટના માતા-પિતા માટે એક ગંભીર ચેતવણી છે બાળકોને એકલા લિફ્ટમાં મોકલશો કે જવા દેશો નહી. કોઇ કારણોસર લિફ્ટમાં ખામી સર્જાઇ છે ત્યારે બાળક ગભરાઇ જાય છે તો ક્યારેક મોટી દુર્ઘટનાનો ભોગ બની શકે છે.