વેરાવળના બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશુટ દરમિયાન 5 લોકો દરિયામાં તણાયા, યુવતી લાપત્તા
- વેરાવળના આદરી બીચ પર દૂર્ઘટના બની,
- સમુદ્રમાં ઊંચી લહેરો યુવતી સહિત પાંચેય યુવાનોને ખેંચી ગઈ,
- ચાર યુવાનોને બચાવી લેવાયા
વેરાવળઃ અરબી સમુદ્રમાં ડિપ્રેશન શમી ગયા બાદ દરિયામાં કરંટ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરે પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે આવેલા યુવતી સહિત પાંચ યુવાનો દરિયાના મોજામાં તણાઈ ગયા હતા. જો કે, તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીને કારણે ચાર યુવકને બચાવી લેવામાં સફળતા મળી છે, પરંતુ એક યુવતીનો કોઈ પત્તો લાગ્યો નથી. ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા દરિયામાં લાપતા યુવતીની શોધખોળ ચાલી રહી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર પ્રિ-વેડિંગ માટે એક યુવતી અને ચાર યુવાનો ફોટોશૂટ માટે આવ્યા હતા. ફોટોશૂટ ચાલી રહ્યું હતું એ દરમિયાન અચાનક સમુદ્રમાં ઊંચી લહેરો ઊછળી અને પાંચેય લોકોને પોતાની સાથે ખેંચી ગઈ હતી. આ અણધારી ઘટનાને પગલે આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ વેરાવળ ફાયરબ્રિગેડ, પોલીસતંત્ર અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સંયુક્ત બચાવ કામગીરીના પરિણામે પાંચ પૈકી ચાર યુવાનોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા.આ દુર્ઘટનામાં 30 વર્ષીય યુવતી જ્યોતિ હરસુખભાઈ પરમાર, રહે: નવાપરા ગામ, હજુ પણ લાપતા છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ દરિયામાં લાપતા બનેલી યુવતી જ્યોતિ પરમાર મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની વતની છે અને હાલ ઘણા સમયથી વેરાવળ તાલુકાના નવાપરા ગામે રહે છે. લાપતા યુવતી જ્યોતિની માસીની દીકરીના લગ્ન હતા, વર પક્ષ તથા વધૂ પક્ષના લોકો પ્રી-વેડિંગ શૂટિંગ માટે આદરી બીચ પર આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા દરિયામાં લાપતા યુવતીની શોધખોળ કામગીરી ઝડપી ગતિએ ચાલુ છે.