રાજકોટના મેંગો માર્કેટ પાસે રોડ પરથી પકડેલા 5 ઢોરને 25 શખસો દાદાગીરી કરીને છોડાવી ગયા
- રાષ્ટ્રપતિના આગમનને લીધે મ્યુનિ.એ રોડ પરથી ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી,
- ટોળાએ મ્યુનિ. સ્ટાફ સાથે દાદાગીરી કરી વાહનમાંથી ઢોર ઉતારી લીધા,
- મ્યુનિના સ્ટાફે પોલીસમાં અરજી આપી પણ ગુનો ન નોંધાયો
રાજકોટઃ શહેરમાં ફરી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુરુવારે રાજકોટની મુલાકાતે આવતા હોય મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વીઆઇપી રૂટ જાહેર કરી કુવાડવા રોડ પર રખડતા ઢોર પકડવા માટે ઢોર પકડ પાર્ટીની બે ટીમ દોડાવી હતી અને આ બે ટીમમાંથી એક ટીમે મેંગો માર્કેટ પાસેથી જાહેરમાં રખડતા પાંચ ઢોર પકડીને પાંજરે પૂર્યા હતા અને ત્યારબાદ મનપાની હદ બહાર પણ માલિયાસણ પાસે રખડતા ઢોર દેખાતા તેને રોડ પરથી દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન જુદા જુદા વાહનોમાં આવેલા 20થી 25 જેટલા શખસોએ
ઢોર ડબ્બામાંથી દાદાગીરી કરી 5 ઢોર છોડાવી લીધા હતા અને આ સમયે મ્યુનિના એક્સ આર્મીમેને તેમને અટકાવવા પ્રયત્ન કરતાં તેમના સાથે પણ ઉદ્ધત વર્તન કર્યું હતું. આ અંગે પોલીસમાં અરજી આપવામાં આવી છે. જોકે પોલીસે હજુ કોઈ ગુનો નોંધ્યો નથી.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના પશુ રંજાડ અંકુશ વિભાગના કહેવા મુજબ શહેરમાં ગુરૂવારે રાષ્ટ્રપતિનું આગમન થવાનું હોવાથી વીઆઇપી રૂટ પર ઢોર પકડવાની અને દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે મેંગો માર્કેટ પાસે રખડતાં ઢોર રસ્તા પર હોવાનું ટ્રાફિક શાખાએ જણાવતા મ્યુનિની ઢોર પકડ ટીમો ઢોર પકડવા દોડી ગઇ હતી અને રોડ પર રખડતા પાંચ ઢોરને ડબ્બે પૂર્યા હતા. ત્યારબાદ ઢોર પકડ ટીમ સાત હનુમાન વિસ્તારમાં પહોંચી હતી ત્યારે માલિયાસણ પાસે રસ્તા પર રખડતા ઢોર નજરે પડતા તેમને ખસેડવા કવાયત હાથ ધરી હતી ત્યારે સ્કોર્પિયો કાર સહિતના વાહનોમાં ટોળું ધસી આવ્યું હતું અને મનપાના સ્ટાફ સાથે દાદાગીરી કરી એક્સ આર્મીમેન સાથે ધક્કામુક્કી કરી વાહનમાંથી ઢોર ઉતારી લીધા હતા.
આ મુદ્દે આરએમસીના લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, માલિયાસણ ગામના ટોળાંને ગેરસમજ થઇ હતી કે અમે તેમના ગામમાંથી ઢોર પકડ્યા છે આથી તેઓ ઢોર ઉતારી ગયા હતા. આ ઘટના બનતા અમે 100 નંબરમાં ફોન કરીને પોલીસ બોલાવી હતી અને કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે. પ્રજા રંજાડ અંકુશ વિભાગના સ્ટાફે આ ઘટના બાબતે ડેપ્યુટી કમિશનરને પણ જાણ ન કરતાં અનેક સવાલો ઊઠી રહ્યા છે.
મ્યુનિની ઢોર પકડ પાર્ટીના સ્ટાફ અને તેમની સાથે રહેલા પોલીસ કર્મચારીઓએ ટોળામાં રહેલા શખસોને સમજાવ્યા હતા. આમ છતાં તેઓએ કાયદો હાથમાં લઈ, પોલીસ સાથે ઝપાઝપી કરી ઢોર પકડવાના વાહનમાં ઠેકીને અંદર ઘૂસી જેટલા ઢોર પકડાયા હતા તે તમામને છોડી મુક્યા હતા. અને સ્ટાફ વિલા મોઢે આ બધું જોતો રહ્યો હતો.