સુરતમાં દીવાળીના તહેવારોમાં મ્યુનિ.કચેરીઓમાં રોશની માટે 49 લાખ ખર્ચાશે
- શહેરના વિવિધ બ્રિજ પર રંગબેરંગી લાઈટિંગ કરાશે,
- મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ લાઈટિંગ માટેના ખર્ચને મંજુરી આપી,
- મ્યુનિની મુખ્ય કચેરીમાં 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન લાઈટિંગ કરાશે
સુરતઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય કચેરી, ઝોન કચેરીઓ તેમજ શહેરના તમામ બ્રિજ પર રંગબેરંગી રોશની કરીને દીપોત્સવની ભવ્ય ઊજવણી કરાશે, મ્યુનિ.કોર્પોરેશનની વિવિધ મિલકત-બ્રિજ તથા જાહેર સ્થળોએ લાઇટિંગ કરવા માટે 49 લાખનો ખર્ચ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજુર કરવામાં આવી છે. જેને મંજુરી આપી દેવામાં આવી છે.
સુરત શહેરમાં લોકો અન્ય તહેવારની જેમ પ્રકાશના પર્વ દિવાળીની પણ ભવ્ય ઊજવણી કરે છે સુરતીઓ પોતાના ઘર અને એપાર્ટમેન્ટ પર રોશનીનો ઝઘમઘાટ જોવા મળે છે. તો બીજી તરફ સુરત મ્યુનિ.કોર્પોરેશનની મુખ્ય કચેરી, ઝોન ઓફિસ, બ્રિજ અને અન્ય જાહેર સ્થળોએ આકર્ષક લાઈટથી સજાવવા માટે તૈયારી કરી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી દરમિયાન મ્યુનિની કચેરીઓ ઝળહળી ઉઠે તે માટે એસએમસીની સ્થાયી સમિતિમાં 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન મ્યુનિની મિલકત પર 49 લાખના ખર્ચે લાઇટિંગ કરવા માટેની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી દીધી છે.