બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસની 45000 મણ, અને મગફળીની 2000 મણની આવક
- કપાસની રેકર્ડબ્રેક આવકથી યાર્ડ ઊભરાયું,
- કપાસનો પ્રતિ 20 કિલોનો ભાવ રૂપિયા 1481 ઉપજતા ખંડુતોમાં ખૂશી,
- યાર્ડમાં ઘઉંની 190 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી
બોટાદ: સૌરાષ્ટ્રમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ પણ આવકમાં આગવી હરોળમાં સ્થાન મેળવી રહ્યું છે. બોટાદ યાર્ડ કપાસની આવક માટે જાણીતું છે. હાલ યાર્ડમાં કપાસની બમ્પર આવક થઈ રહી છે. શુક્રવારે યાર્ડમાં કપાસની 45 હજાર મણ આવક નોંધાઈ હતી. એક જ દિવસમાં આટલી બમ્પર આવક થઈ હતી.
બોટાદ યાર્ડમાં છેલ્લા બે દિવસમાં કપાસની રેકોર્ડ બ્રેક 80 હજાર મણ આવક નોંધાઈ હતી. ખેડૂતોને કપાસનો મણ દીઠ 1100 થી 1481 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. યાર્ડમાં મગફળીની આવક સામાન્ય રહી છે. મગફળીની 2 હજાર મણ આવક નોંધાઈ હતી. જેનો ખેડૂતોને 870 થી 1120 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો.
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરાઈ હતી. જેના ભાવ 765 થી 1171 રૂપિયા ભાવ રહ્યો હતો. જ્યારે લોકવન ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 545 થી 659 રૂપિયા સુધી બોલાયો હતો. યાર્ડમાં 190 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. આ ઉપરાંત સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2030 થી 2880 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 3475 થી 4480 રૂપિયા સુધી બોલાયો હતો. યાર્ડમાં 190 ક્વિન્ટલ તલની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં જીરૂની 278 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જેનો નીચો ભાવ 3875 તથા સૌથી ઊંચો ભાવ 4475 રૂપિયા નોંધાયો હતો. આજે ચણાની કુલ 22 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ખેડૂતોને ચણાનો ભાવ 950 થી 1309 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો. બે દિવસમાં કપાસની 80 હજાર મણ રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી.