વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં 442 મગરોનો વસવાટ, 5 વર્ષમાં વસતીમાં 60 ટકાનો વધારો
- વિશ્વામિત્રી નદીમાં 5 વર્ષમાં 167 મગરો વધ્યા,
- વર્ષ 2020માં મગરોની ગણતરી કરવામાં આવી ત્યારે 275 મગરો હતા
- 5 વર્ષ પહેલા 21 કિમીના પટમાં જેટલા મગર હતા તે હવે માત્ર અકોટા-દેણા વચ્ચે છે
વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નદીમાં 442 મગરોનો વસવાટ છે. નદીમાં ગંદા પાણી અને માછલીઓને લીધે મગરોને પુરતો ખોરાક પણ મળી રહે છે. મગરોની વસતી વધતા હવે તો ચોમાસાની સીઝનમાં શહેરના રહેણાક વિસ્તારોમાં પણ મગરો આવી જતા હોય છે. મગરોની ગણતરી બાદ લેટેસ્ટ આંકડા પ્રમાણે વિશ્વામિત્રી નદીમાં 442 મગરોનું ઘર બની ચૂકયું છે. છેલ્લે વર્ષ 2020માં ગણતરી કરવામાં આવી ત્યારે 275 મગરો હોવાનું અનુમાન થયું હતું. આમ પાંચ વર્ષમાં મગરોની સંખ્યામાં લગભગ 60 ટકાનો જંગી વધારો થયો છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદી ઉપરાતં જિલ્લાના તળાવોમાં પણ મગરો જોવા મળી રહ્યા છે. શહેરમાં ચોમાસાની સીઝનમાં રસ્તા પર મગરો દેખા દે તે હવે જાણે સામાન્ય બાબત બની ગઈ છે અને તેનું કારણ છે કે, વડોદરાની વચ્ચેથી પસાર થતી 21 કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોની સંખ્યા વધી રહી છે. ગયા ફેબુ્આરી મહિનામાં શહેરની વચ્ચે વહેતી વિશ્વામિત્રી નદીમાં ગીર( ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ) ફાઉન્ડેશન, વન વિભાગ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મગરોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને આ ગણતરી બાદ લેટેસ્ટ આંકડા પ્રમાણે વડોદરા 442 મગરોનું ઘર બની ચૂકયું છે.છેલ્લે 2020માં ગણતરી કરવામાં આવી ત્યારે 275 મગરો હોવાનું અનુમાન થયું હતું.આમ પાંચ વર્ષમાં મગરોની સંખ્યામાં લગભગ 60 ટકાનો જંગી વધારો થયો છે.
શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને પહોળી-ઊંડી કરતા હવે પાણીની સાથે મગરો મોટી સંખ્યામાં નોંધાયા છે. 6 મહિના અગાઉ મ્યુનિના સહયોગથી ગીર ફાઉન્ડેશન અને વનવિભાગે કરેલી મગરોની વસ્તી ગણતરીમાં 442 મગરો હોવાનું ખૂલ્યું છે. જેમાં અકોટાથી દેણા વચ્ચે 11 કિમીમાં 220 મગરોનો વસવાટ છે. જે 20 વર્ષ પહેલા 23 કિમીના સમગ્ર પટમાં હતા. ભૂતકાળમાં વિશ્વામિત્રીના મગરોની ગણતરીના આંકડાનો અભ્યાસ કરતા 5 વર્ષમાં જ વિશ્વામિત્રીમાં 167 મગરો વધ્યાં છે. વિશ્વામિત્રીમાં રોકેટગતિથી વધેલી આ સંખ્યાના કારણો વિશે વાઇલ્ડલાઇફ તજજ્ઞના કહેવા મુજબ વડોદરાના વિકાસમાં માંજલપુરના બે તળાવો, ભીમતળાવ સહિત વોટરબોડી પૂરી નાંખવામાં આવી છે. જ્યાં અગાઉ મગરોનો વસવાટ હતો.
સરિસૃપ તજજ્ઞના કહેવા મુજબ, વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરી સવારે થઇ છે કે રાત્રે કે બંને સમયે થઇ છે તે મહત્વનું છે. ઘણીવાર પૂરની સ્થિતિ, તાપમાન, નદીમાં પાણી, નજીક કોઇ મગરને અનુકુળ-પ્રતિકુળ સ્થિતિ સર્જાઇ હોય તો તે બાબત પણ મગરની ગણતરીની સંખ્યા પર અસર કરે છે.અગાઉ વિશ્વામિત્રીમાં ગણતરી થઇ ત્યારે દેણાથી વડસર સુધી થઇ હતી. હવે તેનો વ્યાપ તલસટ સુધી છે તે આવી ગણતરી પર અસર કરતી હોય છે. વિશ્વામિત્રીમાં 2015થી 2020માં 15 મગરો જ વધ્યાં હતા. વર્ષો પહેલા વિશ્વામિત્રીમાં મગરો પકડાય ત્યારે તેને પૂછડીના ભાગે કાપો મૂકીને નંબર લખી ટેગિંગ કરાતું હતું. જેથી એક મગરની ગણતરી બીજી વાર ન થાય. એકવાર પકડાયેલો મગર 10 વર્ષે પણ બીજી વાર અમુક અંતરે પકડાય તેવા કિસ્સા પણ નોંધાયા છે.