ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશના બીજા રાઉન્ડ બાદ મેરીટ યાદીમાં 41989 વિદ્યાર્થીઓનો સમાવેશ
- મેરીટ યાદીમાં અગાઉના નોંધાયેલા અને પૂરક પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ સમાવાયા,
- 24મી સુધી ચોઈસ ફીલિંગ અને 26મીએ સેકન્ડ રાઉન્ડ પરિણામ,
- 30મી જુલાઈએ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ યોજાશે
અમદાવાદઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાઓ માટે પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડની પ્રવેશની કાર્યવાહી બાદ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ ડિગ્રી ઈજનેરીની બીજા રાઉન્ડ માટેની મેરીટ યાદીની જાહેરાત કરી છે. તેમાં પૂરક પરીક્ષાના પરિણામની જાહેરાત કરાયા બાદ 41989 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. જે અંતર્ગત નવા રજિસ્ટ્રેશન પછીના, અગાઉ રજિસ્ટ્રેશન કરાવનારા, પૂરક પરીક્ષા પાસ કરી હોય તેવા કુલ 3606 વિદ્યાર્થીનો તેમાં સમાવેશ કરાયો છે.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ ડિગ્રી ઈજનેરીના સેકન્ડ રાઉન્ડ માટેના પ્રવેશ મેરીટની જાહેરાત બાદ ચોઇસ ફીલિંગ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. ડિગ્રી એન્જિનિયરિંગમાં 24મી સુધી બીજા રાઉન્ડની ચોઇસ ફીલિંગ કરી શકાશે. ડિગ્રી ઇજનેરી શાખાનું સેકન્ડ રાઉન્ડનું એલોટમેન્ટ પરિણામ 26મીએ જાહેર કરાશે. તે પછીથી 30મીથી ત્રીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરાશે. વિદ્યાર્થીઓને વધુમાં વધુ બેઠકો પર ચોઇસ ફીલિંગ કરવાની સલાહ અપાઈ છે.
એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ પ્રવેશ કમિટીની 24 કલાકની હેલ્પ લાઈન 079-2656600 પર સંપર્ક કરી શકે છે. ડિગ્રી ઈજનેરીની પ્રથમ રાઉન્ડ સુધીની કાર્યવાહી 17મી જૂન, 2025ના રોજ પૂર્ણ થયેલી હતી. તે પછીથી શિક્ષણ બોર્ડની ઈમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને યોગ્ય પસંદગી મળી રહે, તે માટે બીજા અને ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા નિર્ધારિત કરાઈ હતી.
બીજા રાઉન્ડ પહેલા અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલું ના હોય તેવા વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશનની કાર્યવાહી 18મી જુલાઈ, 2025ના રોજ પૂર્ણ થઈ હતી. જેમાં આશરે 3564 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ, આ સાથે જ કુલ 43704 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.