For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં 4000 સરકારી કર્મચારીઓ આવાસ માટે ક્વાટર્સની પ્રતિક્ષા યાદીમાં

04:46 PM Dec 17, 2024 IST | revoi editor
ગાંધીનગરમાં 4000 સરકારી કર્મચારીઓ આવાસ માટે ક્વાટર્સની પ્રતિક્ષા યાદીમાં
Advertisement
  • પાટનગર ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સ માટે વેઈટિંગલિસ્ટ વધતું જાય છે,
  • સૌથી વધુ ચ- ટાઇપના આવાસ માટે 2 હજારનું વેઇટિંગ લિસ્ટ,
  • ઘરભાડાં પણ વધુ હોવાથી કર્મચારીઓ અમદાવાદ રહેવાનું પસંદ કરે છે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. સ્વર્ણિમ સંકુલ, નવા સચિવાયલ, જુના સચિવાલય, કર્મયોગી ભવન તેમજ બોર્ડ નિગમ સહિત જુદા જુદા વિભાગોની અનેક કચેરીઓ આવેલી છે. અને કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને રહેવા માટે સરકાર દ્વારા કેટેગરી મુજબ ક્વાટર્સ ફાળવવામાં આવે છે. સરકારે વર્ષો જુના જર્જરિત બનેલા ક્વાટર્સ ખાલી કરાવીને કર્મચારીઓ માટે બહુમાળી મકાનો બનાવવામાં આવી રહ્યા છે. હાલ સરકારી કર્મચારીઓનું ક્વાટર્સ મેળવવાનું વેઈટિંગ લિસ્ટ વધતું જાય છે. નવા આવાસ બનાવવામાં આવે છે, તેનાથી ચાર ગણા આવાસ જર્જરીત અને ભયજનક જાહેર થતાં તોડવા પડે છે જેના કારણે વેઇટીંગ લિસ્ટ વધી રહ્યું છે. હાલની સ્થિતિએ 4 હજારથી વધુ સરકારી કર્મચારીઓ વિવિધ કેટેગરીના આવાસ મેળવવા વેઇટિંગમાં છે. પાટનગરની સ્થાપના બાદ આ પ્રકારની સ્થિતિ પ્રથમવાર સર્જાઇ છે.

Advertisement

પાટનગર એવા ગાંધીનગર શહેરમાં એક બાજુ ચારથી પાંચ દાયકા જૂના અને જોખમી સરકારી કર્મચારીઓ માટેના આવાસો તબક્કાવાર તોડવામાં આવી રહ્યા છે. જોખમી આવાસો તોડીને ખુલ્લી થતી જગ્યામાં તબક્કાવાર નવી ટાવર કોલોનીનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે પરંતુ હાલની સ્થિતિએ શહેરમાં સરકારી આવાસની ઘટ છે અલબત્ત રહેણાંકને લાયક મકાનો બહુ ઓછા છે. આવા સંજોગોમાં તંત્રના ચોપડે કર્મચારીઓની પ્રતિક્ષા યાદી પણ મોટી થતી જાય છે. પાટનગર યોજના વિભાગના ચોપડે અંદાજે 4 હજારથી પણ વધુ કર્મચારીઓ પ્રતીક્ષા યાદીમાં છે. જેમાં સૌથી વધુ 1500નું વેઇટીંગ ચ- ટાઇપના મકાનો માટે છે. છ- ટાઇપના આવાસમાં 350નું વેઇટીંગ છે. જ્યારે જ, જ-1 અને જ- 2 કક્ષા માટે પણ 2 હજાર કર્મચારીઓ વેઇટીંગ લિસ્ટમાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં બે વર્ષ પહેલા સરકારી ક્વાટર્સની પ્રતિક્ષા યાદી 5 હજારને પાર કરી ગઈ હતી. પરંતુ નવા આવાસોનું નિર્માણ થયા બાદ પ્રતીક્ષા યાદી ઓપરેટ થતાં અને ગેરકાયદે કબજો ભોગવતા કર્મચારીઓના આવાસ ખાલી કરવામાં આવતાં કર્મચારીઓને આવાસની ફાળવણી કરવામાં આવી છે. જેના લીધે હાલ ઘણી ખરી અરજીઓનો નિકાલ આવી ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી કચેરીઓમાં ભરતી કરવામાં આવતાં કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો હતો અને તેને કારણે આવાસની ડિમાન્ડ વધી હતી. પરંતુ આ સમયે જ 5 દાયકા જૂના આવાસ જર્જરિત બનતાં ભયજનક જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે વેઇટીંગ લિસ્ટ લાંબુ થતું ગયું હતું. પરંતુ તબક્કાવાર નવા આવાસોના નિર્માણ સાથે આ આંકડો ઘટી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement