ગુજરાતમાં ડિગ્રી-ડિપ્લોમાના 4000 અધ્યાપકો ગ્રેડ પેના લાભથી વંચિત
• ટેકનીકલ શિક્ષણ વિભાગના રેઢિયાળ તંત્રને લીધે અધ્યાપકોને લાભ મળતો નથી
• ઓનલાઈનને બદલે ઓફલાઈન અરજીઓ સ્વીકારવા માગ
• સરકાર જાણી જોઈને વિલંબ કરી રહી છે, કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદઃ રાજ્યમાં ડીગ્રી ડીપ્લોમાં ઈજનેરી કોલેજના 4000 અધ્યાપકો મળવાપાત્ર લાભોથી વંચિત છે.
ભાજપા સરકારની અટકાવવું, લટકાવાવું અને ભટકાવવાની નીતિના કારણે પાંચ તબકાની ચકાસણી બાદ પણ 4000 અધ્યાપકો હકથી વંચિત છે. ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા એક અધ્યાપક પર વિશેષ પ્રેમથી ઓફલાઈન લાભ અપાયો છે તો બાકીના 4000 જેટલા અધ્યાપકોને ઓનલાઈનના નામે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું.
સરકારી ઇજનેરી તેમજ પોલીટેકનિક કોલેજોના 4000 અધ્યાપકોના કિસ્સામાં પણ ઓફલાઈન ચકાસણી પ્રક્રિયા ઝડપથી કરીને સમય મર્યાદામાં ગ્રેડ પે નો લાભ આપવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ટેકનિકલ શિક્ષણની કચેરી દ્વારા ડીપ્લોમા કોલેજના એક જ અધ્યાપકના સ્પેશિયલ કેસમાં માત્ર એક જ મહિનાના સમય ગાળામાં કેસની ત્રણ ગ્રેડની પ્રક્રિયા ઓફલાઈન પૂર્ણ કરી આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રેડ પે 8000 થી 9000 મંજૂરીની તારીખ 1 જાન્યુઆરી 2016 પછી હોવા છતાં કોજન્ટ પોર્ટલ ઉપર પ્રકિયા કર્યા વગર ઓફ લાઈન ચકાસણી કરી 29 નવેમ્બરેના રોજ મંજુરીનો આદેશ કરવામાં આવ્યો છે. બીજી બાજુ 16 ડીગ્રી અને 31 ડીપ્લોમાં સરકારી ઈજનેરી કોલેજના 4 હજાર અધ્યાપકોને મળવાપાત્ર લાભથી વંચિત રહે તે રીતે ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા આશરે 4000 અધ્યાપકોને કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ(કેસ) માટે પોર્ટલની ઓનલાઈન ચકાસણીની પ્રક્રિયા માટે ફરજીયાત પરિપત્ર કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, AICTEના 1 માર્ચ 2019ના પરિપત્રના પાંચ વર્ષ બાદ 1 માર્ચ 2024ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા કેસ અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો. વર્ષોની રજૂઆત બાદ પરિપત્ર થતા સરકારી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજોના અધ્યાપકો તેમના 7-8 વર્ષોથી લંબિત કેસ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા જન્મી હતી. આ અંતર્ગત અરજીઓ મંગાવી ઓફલાઈન ચકાસણી કરી સત્વરે આદેશ થાય એવી વ્યવસ્થા ઉભી કરવાની બદલે ઓનલાઇન ચકસણી કરવા અંગે કમિશ્નર ઓફ ટેકનીકલ એજ્યુકેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. 30 જુલાઈ 2024ના પરિપત્ર દ્વારા તમામ અધ્યાપકોને કેસની અરજી ફરજીયાત કોજન્ટ પોર્ટલ ઉપર કરવા માટે સુચના આપી હતી. પરંતુ કોજન્ટ પોર્ટલ યોગ્ય રીતે થયેલ ન હોવાના કારણે ટેકનીકલ ક્ષતિઓને લીધે પોર્ટલ પર અરજી કરવામાં મોટાભાગના અધ્યાપકોએ વ્યાપક હેરાનગતિ ભોગવી હતી ટેકનીકલ શિક્ષણ કચેરી દ્વારા અધ્યાપકોને કોજન્ટ પોર્ટલ પર કેસ માટે ઓનલાઈન અરજી કરવા માટે 20 ઓગસ્ટ 2024ની સમયમર્યાદા આપી હતી. પંરતુ ટેકનીકલ ક્ષતિઓને લીધે ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા અરજી કરવા માટેની છેલ્લી તારીખ બે વખત લંબાવી અનુક્રમે 5 સપ્ટેમ્બર કરવાની ફરજ પડેલ. તેમાં પણ આજદિન સુધી કોજન્ટ પોર્ટલના 5 તબક્કામાંથી માત્ર 2 તબકાની ચકાસણી પૂર્ણ થઇ છે, બાકીના 3 તબકાની પરિપત્રના 6 મહિના થયા છતાં અમલીકરણ થયેલ નથી, જે અધ્યાપકો માટે ખૂબ જ નિરાશાજનક બાબત છે.