રાજુલાના ધારેશ્વર ગામ નજીક ધાતરવાડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ
- યુવાનો નદીમાં નહાવા પડ્યા બાદ ડૂબી ગયા,
- ધારેશ્વરના ગ્રામજનો મદદ માટે દોડ્યા,
- બોટની મદદ માટે કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી,
અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબી જતા તેમને બચાવવા માટે ધારેશ્વરના ગ્રામજનો મદદ માટે દોડ્યા હતા.આ બનાવની જાણ કરાતા મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બોટની મદદ માટે કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી છે. ધારાસભ્ય હીરા સોલંકી પણ અહિં આવી પહોંચ્યા છે અને નદીના પ્રવાહમાં ઉતરી બચાવ કામગીરીમાં જોડાયા હતા.
ઈન્ચાર્જ મામલદાર ભગીરથ ચૌહાણે જણાવ્યું કે, 4 યુવાનો ડૂબ્યા હોવાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. કોસ્ટગાર્ડને પણ જાણ કરાઈ છે. અન્ય ટીમો પણ બોલાવવામાં આવી છે. ધારાસભ્ય હિરા સોલંકીએ જણાવ્યું હતું કે, ત્રણ સગાભાઈ સહિત ચાર લોકો ડૂબ્યા હોવાની જાણ થતાં જ અમે તાત્કાલીક સ્થળ પર આવી પહોંચ્યા છીએ. તરવૈયાની આખી ટીમ પણ આવી પહોંચી છે. તેઓના પરિવારજનો પર મોટુ દુઃખ આવ્યું છે. ત્યારે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ તમામ લોકો સહિસલામત મળી આવે.
અમરેલીના રાજુલા તાલુકામાં ગઇકાલે રાત્રે ખાબકેલા નવ ઇંચથી વધુ વરસાદના કારણે ધાતરવડી ડેમ-2ના 24 દરવાજા ખોલાતા ધારતવડી નદી બે કાંઠે વહેવા લાગી હતી. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હતો છતાંયે 4 યુવાનો નદીમાં નહાવા માટે પડ્યા હતા.