ડિપ્લામાં ઈજનેરીમાં ખાનગી કોલેજોની તુલનાએ સરકારી કોલેજોમાં 4 ટકા વધુ પ્રવેશ
- ડિપ્લોમા કૉલેજોની બેઠકો પરની પ્રવેશપ્રક્રિયા 15 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ,
- ગત વર્ષની તૂલનાએ સેલ્ફ ફાયનાન્સ કૉલેજોમાં પ્રવેશમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો,
- ફીનું ધોરણ ઓછુ હોવાથી વિદ્યાર્થીઓએ સરકારી કોલેજો પસંદ કરી
અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને સ્વનિર્ભર ડિપ્લામાની કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં આ વખતે સરકારી કૉલેજોની બેઠકોમાં ગયા વર્ષ કરતાં 4 ટકા વધારે જ્યારે સેલ્ફ ફાયનાન્સ કૉલેજોમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓવરઓલ પ્રવેશપ્રક્રિયામાં ગયા વર્ષ કરતાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. એટલે કે, સ્વનિર્ભર ડિપ્લોમાની કોલેજો કરતા સરકારી ડિપ્લામાંની કોલેજોમાં પ્રવેશનો વધુ ધસારો જોવા મળ્યો છે.
પ્રવેશ સમિતિના સૂત્રોના કહેવા મુજબ આ વર્ષે સરકારી ડિપ્લોમા ઇજનેરીની 89 ટકા બેઠકો ભરાઈ છે, તેની સામે પ્રાઇવેટ સેલ્ફ ફાઈનાન્સ ડિપ્લોમા ઇજનેરી કૉલેજોની 40 ટકા બેઠકો ભરાઈ ગઈ છે. જ્યારે સરકારી અને સેલ્ફ ફાયનાન્સ ડિપ્લોમા ઇજનેરી કૉલેજોની કુલ 153 કૉલેજોની 699987 બેઠકમાંથી 38917 બેઠક પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરાતાં ઓવરઓલ 56 ટકા બેઠકો પર પ્રવેશ અપાયો છે. બીજી તરફ સેલ્ફ ફાયનાન્સ ડિપ્લોમા ઇજનેરી કૉલેજોમાં પણ વર્ષ 2024 કરતાં 7 ટકાનો ઘટાડો થયો છે. ડિપ્લોમા ઇજનેરી કૉલેજોમાં ગત વર્ષની 59 ટકા પ્રવેશપ્રક્રિયા સામે આ વર્ષે 56 ટકા બેઠકો પર પ્રવેશ અપાયો છે. ઓવરઓલ 3 ટકા બેઠકોમાં ઘટાડો નોંધાયો છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ડિપ્લોમાની સરકારી કૉલેજોમાં ફીનું ધોરણ ખૂબ જ ઓછું 1000 રૂપિયા જેટલું છે, જ્યારે વિદ્યાર્થિનીઓ માટે ફી માફી છે જ્યારે સેલ્ફ ફાયનાન્સમાં વાર્ષિક ફીનું ધોરણ વધારે હોય છે. એટલે સ્વાભાવિક રીતે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સરકારી કૉલેજોમાં પ્રવેશ લેવાનું પસંદ કરતા હોય છે.