ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢિડા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4નાં મોત
- હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે સર્જાયો અકસ્માત
- 13 દિવસ પહેલા આ સ્થળે અકસ્માતમાં 5નાં નોત નિપજ્યા હતા
- પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી
અમદાવાદઃ રાજ્યના હાઈવે પર અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે આજે અમદાવાદ-ભાવનગર હાઈવે પર ધોલેરા નજીકના સાંઢિડા ગામ પાસે પૂરફાટ ઝડપે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4ના મોત નિપજ્યા હતા. આ અકસ્માતના બનાવ બાદ પસાર થતાં અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. અને અકસ્માતના બનાવની જાણ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને કરી હતી.
ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમા ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આ સ્થળે વારંવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ગઈ તા. 12મેના એટલ કે 13 દિવસ પહેલા ધોલેરા-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે કાર અથડાતા અમદાવાદના 3 સગા ભાઈ અને એક પુત્ર સહિત 5 લોકોના મોત થયા હતા. ત્યારબાદ આજે ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ 4 મોત થયા છે. છેલ્લા 13 દિવસમાં બે અકસ્માતમાં કુલ 9ને કાળ ભરખી ગયો છે.
આજે બે કાર વચ્ચે સર્જાયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનો બુરી રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જતા તે દરમિયાન રસ્તામાં જ મોત નીપજયું છે. આ ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ માર્ગ પર વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.