ગુજરાતના પ્રાથમિકતા ક્ષેત્રમાં 2025-26 દરમિયાન ₹4.93 લાખ કરોડની ઋણ શક્યતાઓનું આકલન ગત વર્ષ કરતાં 40% વધુ: નાબાર્ડ
નાબાર્ડે સ્ટેટ ફોકસ પેપર જારી કરતાં આગામી વર્ષમાં રાજ્યના પ્રાથમિકતા ક્ષેત્રમાં ₹4.93 લાખ કરોડની ઋણ શક્યતાઓ વ્યક્ત કરી છે. સ્ટેટ ફોકસ પેપરનું અનાવરણ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ કર્યું હતું.
નાબાર્ડના મુખ્ય મહાપ્રબંધક બી. કે. સિંઘલે જણાવ્યું કે રાજ્યના પ્રાથમિકતા ક્ષેત્રમાં વર્ષ 2025-26માં ₹4.93 લાખ કરોડની ઋણ શક્યતાઓનું આકલન કરવામાં આવ્યું છે. આ આકલન ગયા વર્ષથી લગભગ 40% વધુ છે. શ્રી સિંઘલે જણાવ્યું કે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો નો રાજ્યમાં અમલ કરવામાં ગુજરાત સરકાર નો સંપૂર્ણ સહકાર રહે છે. સ્ટેટ ફોકસ પેપરની પ્રક્રિયા વિશે શ્રી સિંઘલે જણાવ્યું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં કૃષિ, એમએસએમઇ અને પ્રાથમિકતા ક્ષેત્રની અન્ય પ્રવૃત્તિઓમાં રહેલી ઋણ શક્યતાઓનું આકલન કરવામાં આવ્યું છે અને તે ઋણ-શક્યતાઓને જોડીને રાજ્ય સ્તરીય આકલન તૈયાર કરવામાં આવ્યું છે.
નિધિ શર્મા, મહાપ્રબંધક, નાબાર્ડે તેમના પ્રેઝેન્ટેશનમાં જણાવ્યું કે વર્ષ 2025-26માં રાજ્યમાં કૃષિ અને સહાયક પ્રવૃત્તિઓમાં ₹1.71 લાખ કરોડ, એમએસએમઇ ક્ષેત્રમાં ₹2.84 લાખ કરોડ અને પ્રાથમિકતા ક્ષેત્રની અન્ય પ્રવૃત્તિઓમાં ₹0.38 લાખ કરોડના ઋણોનું આકલન કરવામાં આવ્યું છે.
ડૉ. અંજુ શર્મા, આઈએએસ, અધિક મુખ્ય સચિવે નાબાર્ડ દ્વારા તૈયાર કરાયેલા સ્ટેટ ફોકસ પેપરનું અનાવરણ કર્યું અને મુખ્ય અતિથિ તરીકે સેમિનારને સંબોધિત કરતાં જણાવ્યું કે ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યોમાંનું એક છે અને તેમાં કૃષિ ક્ષેત્રનું મહત્વપૂર્ણ યોગદાન છે. સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ સાથે સાથે ખેડૂતોની આવક વધારવા પર પણ વિશેષ ધ્યાન આપી રહી છે અને ખેડૂતો તથા ગ્રામ્ય સમુદાયોની આવક વધારવા માટે તેમને સસ્તા દરે ઋણ સુવિધાઓ મળવી અત્યંત જરૂરી છે. નાબાર્ડના સ્ટેટ ફોકસ પેપરની પ્રશંસા કરતાં ડૉ. અંજુ શર્માએ જણાવ્યું કે આ આકલનથી બેન્કોને ઋણ-પ્રવાહના સંભવિત ક્ષેત્રોની માહિતી મળશે અને જમીન સ્તરે ઋણ-પ્રવાહ વધુ અસરકારક સાબિત થશે. સ્ટેટ ફોકસ પેપરમાં જણાવાયેલા નીતિગત સૂચનો અને ઉપાયો રાજ્ય સરકારના વિભાગો માટે પણ લાભદાયી થશે.
જે. પી. ગુપ્તા, આઈએએસ, અધિક મુખ્ય સચિવે આ આકલન માટે નાબાર્ડને અભિનંદન આપ્યા અને બેન્કર્સને નાબાર્ડે જે ક્ષેત્રોની ઓળખ કરી છે, તે ક્ષેત્રોમાં ઋણ-વૃદ્ધિ માટે યોગ્ય પગલાં ભરવા અપીલ કરી. જે. પી. ગુપ્તાએ ગુજરાત માં નાબાર્ડ ના કાર્યોની પ્રશંસા કરી. નાબાર્ડ અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો કૃષિ, સિંચાઈ, સામાજિક માળખાકીય સુવિધાઓ અને સહકાર ક્ષેત્રમાં પરસ્પર સમન્વયથી કાર્ય કરી રહ્યા છે. હેમંત કરૌલિયા, મુખ્ય મહાપ્રબંધક, એસબીઆઈ, અશોક પરીખ, મહાપ્રબંધક, ભારતીય રિઝર્વ બેંક અને અશ્વિની કુમાર, એસએલબીસી સંયોજક અને બેંક ઓફ બરોડાના મહાપ્રબંધકે પણ સેમિનારને સંબોધિત કર્યું.