ગુજરાતમાં 39 બ્રિજ જર્જરિત અવસ્થામાં, 97 પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરાયો
- ગંભારા બ્રિજની દૂર્ઘટના બાદ સરકાર જાગી,
- અમદાવાદમાં ત્રણ બ્રિજ પડું પડું છે,
- ઘણાબધા પુલ બંધ કરીને યોગ્ય ડાયવર્ઝન ન અપાતા વાહનચાલકો પરેશાન
અમદાવાદઃ રાજ્યમાં પાદરા નજીક હાઈવે પર મહી નદી પરના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે. રાજ્ય સરકારે તમામ પુલોની ચકાસણી કરીને જરૂર હોય ત્યાં ત્વરિત સમારકામ કરવાના આદેશ કર્યા છે. રાજ્યમાં 39 બ્રિજ જર્જરિત છે. અને 97 જોખમી પુલ પર વાહન વ્યવહાર બંધ કરીને ડાયવર્ઝન અપાયા છે.
આણંદ-વડોદરાને જોડતો પાદરા નજીક હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યાં ફરીવાર આવી દૂર્ઘટના ન સર્જાય તે માટે હૈયાત તમામ બ્રિજનું નિરીક્ષણ કરવાના આદેશ અપાયા છે. જેમાં 97 બ્રિજને ત્વરિત મરામતની જરૂર હોવાથી આ બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ સહિત અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં કુલ મળીન 364 બ્રિજો પૈકી 231 બ્રિજની સ્થિતિ સારી હોવાનો સરકારે દાવો કર્યો છે. અમદાવાદમાં ત્રણ બ્રિજ એવા છે તે પડું પડું છે. સુરતમાં સૌથી વઘુ 26 બ્રિજ જર્જરિત અવસ્થામાં છે. વડોદરામાં 2, જૂનાગઢમાં 3, જામનગરમાં 2, નવસારીમાં 2 બ્રિજ જર્જરિત હોવાનું સરકારે કબૂલ્યું છે.
ગુજરાતમાં ઘણાં એવા જોખમી બ્રિજ છે જે જાણે દુર્ઘટનાની રાહમાં છે. અત્યાર સુધીમાં આ જોખમી પુલો પર વાહન વ્યવહાર યથાવત રહ્યો હતો. પણ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારને લોકોની સલામતી વિશે સુઝ્યુ છે જેથી તાકીદે 97 જોખમી પુલો પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. જોકે, ડાયવર્ઝનને પગલે સ્થાનિકોની રોજી રોજગાર પર અસર થઇ છે. તેમજ વિદ્યાર્થીઓને શાળામાં જવા આવવા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે માલવાહક વાહનોને ડાયવર્ટ કરાતાં વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. હવે રહી રહીને રાજ્ય માર્ગ મકાન વિભાગે ધંધે લાગ્યુ છે. અત્યાર સુધીમાં તો આ વિભાગના ઇજનેરો-અધિકારીઓને કઇ પડી જ ન હતી. પણ હવે પુલોની ચકાસણી કરી સમગ્ર વિભાગ દોડતુ થયુ છે.