પાદરામાં ટ્રેકટરે બાઈકને અડફેટે લેતા 3 યુવાનોના મોત, હીટ એન્ડ રનમાં વિદ્યાર્થિનીનું મોત
- વાઘોડિયા ચાર રસ્તા પર અજાણ્યા વાહનની અડફેટે સ્કૂટરચાલક વિદ્યાર્થિનીનું મોત
- પાદરાના ચમારા પુલ પાસે ટ્રેકટરની અડફેટે બાઈકસવાર 3 યુવાનોના મોત
- બન્ને અકસ્માતોના બનાવમાં પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી
વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ બે અકસ્માતના બનાવોમાં ચારના મોત નિપજ્યા હતા, પ્રથમ અકસ્માતનો બનાવ શહેરના વાઘોડિયા ચાર રસ્તા બ્રિજ પાસે સર્જાયો હતા. હીટ એન્ડ રનના આ બનાવમાં ટેમ્પાચાલકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવાચાલક વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટેમ્પા સાથે તેનો ચાલક નાસી ગયો હતો. જ્યારે અકસ્માતનો બીજો બનાવ પાદરામાં ચમારા પુલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટરે બાઇક પર સવાર ત્રણ યુવકોને ટક્કર મારતાં ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા શહેરના વાઘોડિયા બ્રિજ નીચે એક્ટિવા લઈને કોલેજે જઈ રહેલી 17 વર્ષની વિદ્યાર્થિનીને પીકઅપ વાને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.અકસ્માત બાદ પીકઅપ વાન ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. આ અંગે જાણ થતા કપૂરાઇ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં ટેમ્પો ચાલક વિદ્યાર્થિનીને અડફેટે લેતો દેખાય છે. ત્યારબાદ તે ટેમ્પો લઈને ભાગી જાય છે. પોલીસે સીસીટીવીની મદદથી આ કેસમાં તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિની મૈત્રી શાહ આજે સવારે ઘરેથી કોલેજ જવા નીકળી હતી. આ વિદ્યાર્થિની વાઘોડિયા ચોકડી ખાતે પહોંચી ત્યારે પીકઅપ વાન ચાલકે અડફેટે લીધી હતી. જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ વાઘોડિયા બ્રિજની નીચે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
અકસ્માતના બીજા બનાવની વિગતો એવી છે કે, પાદરાના ચમારા બ્રિજ પાસે ટ્રેકટરે બાઈકને અડફેટે લેતી બાઈકસવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. બાઈકસવાર ત્રણેય યુવકો માતાજીના માંડવામાં જઇ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં ચમારા બ્રિજ પાસે ટ્રેક્ટરે ટક્કર મારતાં ત્રણેય યુવકો રસ્તાની બાજુમાં ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ ત્રણેયના મોત નીપજ્યા હતા. ત્રણેય યુવકો પાદરાના મુજપુર ગામના વતની છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે ટ્રેકટર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટનાના પગલે પાદરા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.