સોફ્ટવેર એન્જિનિયરને ડિજીટલ એરેસ્ટ કરીને કરોડો રૂપિયા પૈસા પડાવવાના કેસમાં 3 ઝડપાયા
'ડિજિટલ એરેસ્ટ'ના ગુના આચરતી ગેંગે એક સોફ્ટવેર એન્જિનિયર સાથે 11.8 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ પ્રકરણમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં ધવલભાઈ શાહ (34), તરુણ નટાણી (24) અને કરણ શામદાસાની (28)નો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું હતું કે આ આરોપીઓના અલગ અલગ બેંક ખાતામાંથી 3.7 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે અને તેમની ગેંગના અન્ય સભ્યોને શોધવાના પ્રયાસો ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગનો આકા દુબઈમાં હોવાનું સામે આવ્યું છે અને દુબઈમાં બેઠા બેઠા આખુ રેકેટ ચલાવતો હોવાનું જાણવા મળે છે. પીડિત, 39 વર્ષીય વિજય કુમારને આરોપીઓએ લગભગ એક મહિના સુધી 'ડિજિટલ એરેસ્ટ' કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે છેતરપિંડી કરનારાઓએ મની લોન્ડરિંગ માટે બેંક ખાતા ખોલવા માટે પીડિતના આધાર કાર્ડનો દુરુપયોગ કર્યો હતો. આ છેતરપિંડી 25 નવેમ્બરથી 12 ડિસેમ્બર, 2024 દરમિયાન થઈ હતી. પીડિતએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે 11 નવેમ્બરના રોજ તેમને એક વ્યક્તિનો ફોન આવ્યો જેણે પોતાને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના અધિકારી તરીકે ઓળખ આપી હતી. તે વ્યક્તિએ દાવો કર્યો હતો કે પીડિતાના આધાર કાર્ડ સાથે જોડાયેલા સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદેસર જાહેરાતો અને હેરાન કરનારા સંદેશાઓ મોકલવા માટે થતો હતો. બાદમાં બીજા એક વ્યક્તિએ તેમને ફોન કર્યો અને પોતાની પોલીસ અધિકારી તરીકે ઓખળ આપી હતી. તેમણે આરોપ લગાવ્યો કે પીડિતની આધાર વિગતોનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે બેંક ખાતા ખોલવા માટે કરવામાં આવી રહ્યો હતો.