દમણના આંટીયાવાળના તળાવમાં નહાવા પડેલા 3 બાળકોના ડુબી જતાં મોત
- સાત બાળકો તળાવમાં નહાવા પડ્યા હતા, જેમાં ચાર ડૂબવા લાગ્યા
- એક બાળકને બચાવી લેવાયો
- ત્રણ બાળકોના મોતથી શોકનો માહોલ સર્જાયો
વાપીઃ દમણના આંટીયાવાળમાં તળાવમાં 7 બાળકો નહાવા માટે ગયા હતા. જેમાં ચાર બાળકો ડૂબવા લાગતા બુમાબુમ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન એક યુવાને તળાવમાં પડીને એક બાળકને બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો પાણીમાં ગરકાવ થતાં ફાયરવિભાગની ટીમે તળાવમાં શોધખોળ કરી શરૂ હતી.ગત મોડી રાત્રે ત્રણેય બાળકના મૃતદેહ મળી આવતા ગામમાં શોકનો માહોલ છવાયો છે.
આ બનાવની વિગતો એવી છે કે, દમણના આંટીયાવાળ વિસ્તારના તળાવમાં 7 બાળકો નહાવા માટે ગયા હતા. સાતેય બાળકો તળાવમાં પડતા જેમાં 4 બાળકો ડુબવા લાગ્યા હતા, ત્યારે ત્રણ બાળકોએ તળાવમાંથી બહાર નિકળીને બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન એક યુવાને પણ બાળકોને બચાવવા માટે તળાવમાં ઝૂંપલાવ્યુ હતું. અને ડૂબી રહેલા ચાર બાળકોમાંથી એક બાળકને બચાવી લેવાયો હતો.આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરના જવાનો અને તરવૈયાની મદદથી તળાવમાં બાળકોની શોઘખોળ હાથ ધરી હતી. ગત મોડી રાત્રે ત્રણેય બાળકના મૃતદેહ મળી આવતા ગામમાં શોકનો માહોલ છવાયો છે.
ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ દમણના આંટીયાવાળ સ્થિત હિંગળાજ તળાવમાં કુલ 7 જેટલા બાળકો નહાવા માટે પડ્યા હતા. નહાવાની મજા માણી રહેલા આ બાળકોમાંથી અચાનક ચાર બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.આ કરૂણ દ્રશ્ય જોઈને ત્યાં હાજર એક યુવકે પોતાના જીવને જોખમમાં મૂકીને તાત્કાલિક પાણીમાં ઝંપલાવ્યું હતું અને ડૂબી રહેલા ચાર બાળકોમાંથી એક બાળકને હેમખેમ બચાવી લીધો હતો. જોકે, અન્ય ત્રણ બાળકો પાણીમાં ઊંડા ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પંથકમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી.