અમદાવાદ, સુરત સહિત 26 તાલુકામાં વીજળીના કડાકા સાથે પડ્યો વરસાદ
- અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલના સ્થળે ભરાયા પાણી,
- હવામાન વિભાગ કહે છે 5મી નવેમ્બર સુધી આવી સ્થિતિ રહેશે,
- નૈઋત્યના ચોમાસાની વિદાય છતાં વરસાદ કેમ પડે છે?
અમદાવાદઃ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે, છતાંયે કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. ગ્લોબલ વોર્મિંગ તેમજ લો પ્રેશરને લીધે વાદળો ખેંચાઈ આવતા બીજીબાજુ હવામાનમાં ઉષ્ણતામાન વધુ હોવાને લીધે વાતાવરણમાં પલટો આવ્યો છે. સામાન્ય રીતે નવરાત્રિ આસપાસ ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે. આ વર્ષે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધા બાદ પણ વરસાદી કહેર યથાવત્ છે. દરમિયાન આજે સવારે અમદાવાદ શહેરમાં વીજળીના કડાકાભડાકા સાથે અડધાથી એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં અમદાવાદ સહિત 26 તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેમાં સુરતના કામરેજમાં અઢી ઈંચ, દ્વારકામાં દોઢ ઈંચ, તેમજ ઘોઘામાં એક ઈંચથી વધુ અને બાકીના 20થી 22 તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. અમદાવાદ શહેરમાં પણ અડધો ઈંચથી એક ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં ધોધમાર વરસાદ વરસતા સિંધુભવન રોડ પર આયોજીત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના સ્થળ પર પાણી ભરાયા હતા. પવનના કારણે મંડપ અને ડેકોરેશનને પણ નુકસાન પહોંચ્યું હતું.
દેશમાં 14 ઓક્ટોબરે નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે. તેમ છતાં મેઘરાજા ગુજરાતમાંથી વિદાય થવાનું નામ લેતા નથી. આજે સવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પડ્યો હતો તો બપોરના સમયે કેટલાક ઠેકાણે અંગ દઝાડતી ગરમી અનુભવાઈ હતી. આમ થવા પાછળ લા નીનોની અસર જવાબદાર છે. ત્યારે સંભવતઃ આવતા મહિને ફૂલ ગુલાબી ઠંડી પડી શકે છે.
હવામાનશાસ્ત્રીના કહેવા મુજબ ગુજરાતમાં, ગત વર્ષે અલી નીનો અસરોને કારણે ચોમાસાએ વહેલા વિદાય લીધી હતી અને શિયાળાની શરૂઆત પણ ઓક્ટોબર મહિનાથી જ થઈ ગઈ હતી. પરંતુ આ વર્ષે લા નીનાની અસરને કારણે ચોમાસું સામાન્ય કરતાં લાંબુ ચાલ્યું છે અને હજુ સુધી પણ અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો હોવાથી તાપમાન અને બફારાનું પ્રમાણ પણ વધુ રહેવાથી ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ હજુ પણ 5 નવેમ્બર સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ધીમેધીમે શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થશે, પરંતુ હજુ પણ ઓક્ટોબર મહિનાના અંત સુધી ગુજરાત રાજ્યની પરિસ્થિતિ યથાવત રહેવાની શક્યતાઓ છે.