અમદાવાદ મ્યુનિ.નો ટેક્સ ન ભરનારા 22 મિલક્તોની હરાજી કરાશે
- વારંવાર નોટિસ આપવા છતાંયે મિલકતધારકો ગણકારતા નથી,
- ટેક્સ પેટે મ્યુનિ.ને 26 કરોડ લેવાના નીકળે છે ,
- મિલકતધારકોને 15 દિવસની આખરી મુદ્દત અપાઈ
અમદાવાદ: શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકો નિયમિત વેરો ભરતા નથી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સધારકોને વારંવાર નોટિસ મોકલવા છતાંયે ટેક્સ ભરતા નથી. આથી મ્યુનિ.એ મોટી રકમનો ટેક્સ બાકી હોય એવી પશ્વિમ વિસ્તારની 22 મિલક્તોની હરાજી કરીને ટેક્સની વસુલાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને બાકી ટેક્સ હોય એવા 22 પ્રોપ્રટીધારકોને આખરી નોટિસ પાઠવવામાં આવી છે, અને તેમને 15 દિવસની મુદત આપવામાં આવી છે, 15 દિવસ બાદ ટેક્સ ભરપાઈ કર્યો ન હોય તો મિલ્કતોની હરાજી કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષોથી ટેક્સ ન ભરતા મિલકત ધારકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલી 22 જેટલી મિલકતોના લાખો રૂપિયાનો ટેક્સ બાકી છે. આ મિલકતોના માલિકોને વારંવાર નોટિસો આપવા છતાં ટેક્સ ન ભરતા અંતે AMCએ આ મિલકતોની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. AMC ના પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા આ મિલકતોની વેરાની વસૂલાત માટે વારંવાર નોટિસ આપવા છતાં ટેક્સ નહીં ભરનારને 15 દિવસની નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે, 15 દિવસની નોટિસ આપ્યા પછી જો ટેકસ નહીં ચૂકવે તો આ 22 બાકીદારોની મિલકતની હરાજી કરવામાં આવશે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલી કુલ 22 મિલકતોનો 2 કરોડ 26 લાખનો ટેક્સ બાકી છે. કેટલાય કોમર્શિયલ મિલકતધારકો વર્ષોથી ટેકસ ભરતા ન હોવાથી બાકી ટેકસનો આંકડો લાખો રૂપિયા ઉપર પહોંચી ગયો છે. તેથી કમિશનરની સૂચનાથી આવા મોટા ટેક્સ પેયરની મિલકત અંગે કાર્યવાહી કરી હરાજી યોજવાની કામગીરી ખાસ કરીને પશ્ચિમ ઝોન ટેકસ ખાતા દ્વારા કરવામાં આવી રહી છે. બાકી ટેક્સ મુદ્દે મ્યુનિ.એ પશ્ચિમ ઝોનમાં આવેલી 22 મિલકતોના માલિકોને 2.26 કરોડની રકમ ભરી દેવા 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ મિલકત માલિકો રકમ નહીં ભરે તો હરાજી કરવામાં આવશે. પ્રોપર્ટી ટેક્સ લાખો રૂપિયાનો બાકી હોય એવી મોટાભાગની મિલકતો નવરંગપુરા વિસ્તારની હોવાનું જાણવા મળે છે.